Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
જામનગર અને દ્વારકા સહિત રાજ્યભરમાં ઉદ્યોગ અને પ્રદૂષણ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલી બાબતો હોય છે, જે આપણે સૌ જાણીએ છીએ. કોઈ પણ ઉદ્યોગ સરકારોના તમામ કાયદાઓનું પાલન કરતો હોતો નથી, આમ છતાં સ્થાનિક સ્તરે સરકારની પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીઓ બધું ચલાવી લ્યે છે ! જેને કારણે લોકોમાં એવા સંકેતો જાય છે કે, પ્રદૂષણ ગંભીર મુદ્દો હોવા છતાં તેની અવગણના કરવામાં આવે છે ! ઘણાં કિસ્સાઓમાં સ્થાનિક સ્તરેથી સરકારને કોઈ ચોક્કસ ઉદ્યોગ વિરુદ્ધ રિપોર્ટ કરવામાં આવતો હોય છે પરંતુ આવા કિસ્સાઓમાં ગાંધીનગર મૌન રહેતું હોય છે !
આવો એક કિસ્સો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ છે ! દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી ઘડી ડીટરજન્ટનાં નામે ઓળખાતી RSPL કંપની પ્રદૂષણ નિયંત્રણ માટેનાં નિયમો અને જોગવાઈઓ તથા કાયદાઓનું ઉલ્લંધન કરે છે ! ખેડૂતો સહિતના લોકો રજૂઆતો પણ કરે છે. ખેતી સહિતના ક્ષેત્રોમાં આ કંપની દ્વારા પ્રદૂષણ પણ ફેલાવવામાં આવે છે, છતાં કંપની સલામત છે ! કંપની વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી ! માત્ર નોટિસ આપવામાં આવે છે. પછી બધું જૈસે થે, ચાલતું રહે છે !
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી જામનગર ખાતે આવેલી છે, જેનાં મુખ્ય અધિકારી કલ્પના એન પરમાર ખુદ કહે છે : ઘડી ડીટરજન્ટ કંપની વિરુદ્ધ ગાંધીનગર કચેરીને પ્રદૂષણ મુદ્દે રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. પરંતુ આ મામલામાં રેકર્ડ પર ગાંધીનગર કક્ષાએથી નોટિસ સિવાય અન્ય કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ પ્રકારની સ્થિતિ હોય ત્યાં સ્થાનિક સ્તરે કંપનીઓનાં પ્રદૂષણને કેમ અટકાવી શકાય ?! ગાંધીનગર ખાતેથી આવી કંપનીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી જેને પરિણામે કંપની આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ ફેલાતું રહે છે ! સ્થાનિક લોકો આ પ્રદૂષણને કારણે હાલાકીઓ ભોગવતાં રહે છે ! ખરેખર તો, સ્થાનિક જનપ્રતિનિધિઓએ આ ગંભીર મુદ્દે ગાંધીનગર ખાતે કડક રજૂઆત કરવી જોઈએ અને કંપનીઓ વિરુદ્ધ કાયદાઓ મુજબની કાર્યવાહી થાય તે માટે સરકાર પર દબાણ લાવવું જોઈએ.
તેને બદલે સ્થિતિ એવી જોવા મળે છે કે, સ્થાનિક સ્તરે આવી પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ વિરુદ્ધ આંદોલનો થાય છે ત્યારે આ આંદોલનને સ્થાનિક સ્તરે કોઈ ટેકો પણ મળતો નથી ! આ પ્રકારના લોક આંદોલન રહસ્યમય રીતે દબાઈ જતાં હોય છે ! બિચારાં અસરગ્રસ્તો જાય ક્યાં ?! કોઈ સાંભળતું નથી ! અને, નાનાં માણસો મહાકાય કંપનીઓ વિરુદ્ધ કાનૂની જંગ પણ કેવી રીતે લડી શકે ?! અસરગ્રસ્તોનું જાણે કે કોઈ નથી ! એવી સ્થિતિ જોવા મળે છે. બીજી તરફ કંપનીઓની વાહવાહી કરનારો વર્ગ મોટો અને શક્તિશાળી હોય છે ! જેને કારણે કંપનીઓ મનફાવે તેમ વર્તન કરતી હોય છે ! અને, સામાન્ય માણસ પિસાતો રહે છે !