Mysamachar.in:દેવભૂમિ-દ્વારકા
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા બે દિવસીય રેતશિલ્પ મહોત્સવનો શિવરાજપુર બીચ ખાતે આજરોજ મહાનુભાવોના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ રેતશિલ્પકારોએ અદભુત પ્રકારના શિલ્પ બનાવીને પોતાની આગવી કળા પ્રદર્શિત કરી હતી. જેમાં શ્રીકૃષ્ણ-અર્જુન, દ્વારકાધીશ મંદિર, લાલ કિલ્લો, જી-20 સિમ્બોલ, જલપરી, સોમનાથ મહાદેવ શિવલિંગ, હનુમાનજી, ઓખો જગથી નોખો તથા ગણેશજીની સુંદર પ્રતિકૃતિ બનાવી હતી. આ રેતશિલ્પ મહોત્સવની મુખ્ય થીમ રણ સંગ્રામ મધ્યે શ્રીકૃષ્ણાર્જુન છે જે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને રણ સંગ્રામ સમયે ગીતા ઉપદેશ આપ્યો હતો તેનું નિદર્શન કરે છે. જે આગવી ભારતીય સંસ્કૃતિની ઝલક દર્શાવે છે. પ્રવાસન સ્થળ શિવરાજપુર ખાતે ફરવા આવતા સહેલાણીઓને ભારતીય સંસ્કૃતિ તથા રેતશિલ્પ કલા વધુ જાણકારી મળે તે હેતુથી મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે.