Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી નયારા કંપની નેશનલ હાઇવેનાં નિયમોનો ઉલાળિયો કરીને, મનમાની કરી રહી છે એવી રજૂઆત જામનગર કલેકટર કચેરીમાં થઈ છે. અગાઉ એક વખત સત્તાવાળાઓએ કંપનીને કાયદાનું ભાન કરાવ્યું હતું છતાં પણ કંપનીએ ફરી મનમાની આચરી હોવાની ફરિયાદ અરજી થતાં સત્તાવાળાઓએ ફરીથી કંપની સામે કાર્યવાહી શરૂ કરવી પડી છે. જામનગર જિલ્લાનાં લાલપુર તાલુકાના મીઠોઈ ગામનાં મેહુલસિંહ રાયજાદાએ જિલ્લા સત્તાવાળાઓને લેખિતમાં રજૂઆત કરી છે કે, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દ્વારકા હાઈવેનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમાં નિયત કરેલાં પોઈન્ટ સિવાય અન્ય કોઈ જગ્યાએ ડિવાઈડરમાં ગેપ કે ક્રોસિંગ મૂકવાની, હાઈવેના નિયમો અનુસાર મનાઈ ફરમાવવામાં આવી છે.
આમ છતાં નયારા કંપની દ્વારા પોતાની અનુકૂળતા મુજબ કંપનીનાં મેઈન ગેટ તથા મટિરિયલ ગેટ પાસે ડિવાઈડરમાં ગેપ મૂકી ત્યાં ગેરકાયદે ક્રોસિંગ પણ મૂકવામાં આવ્યા હતાં ! બાદમાં સત્તાવાળાઓનું ધ્યાન દોરવામાં આવ્યા પછી, આ ગેરકાયદે ક્રોસિંગ બંધ કરાવવામાં આવ્યા હતા. આમ છતાં ફરીથી કંપનીએ મનમાની આચરી છે ! મેઈન ગેટ નજીક ફરીથી કંપનીએ ગેરકાયદે ક્રોસિંગ મૂક્યું છે ! આ અંગે નેશનલ હાઇવે ઓથોરિટી સમક્ષ તથા લાલપુર પંથકમાં આવેલા આ ક્રોસિંગ અંગે જામનગર જિલ્લા સત્તાવાળાઓ સમક્ષ પણ ગત્ દસમીએ લેખિત રજૂઆત કરી પગલાંની માંગણી કરી છે.
Mysamachar.in દ્વારા આ અરજી સંબંધે નિવાસી અધિક કલેકટર ભાવેશ ખેર સાથે વાતચીત કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું છે કે, આ ફરિયાદ અરજી અનુસંધાને લાલપુર પ્રાંત કચેરીને જાણ કરવામાં આવી છે અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. પ્રાંત કચેરીને આગળની કાર્યવાહી માટે કહેવામાં આવ્યું છે.