Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
આજના સમયમાં મોબાઈલ ખુબ જરૂરી છે પણ મોબાઈલમાં વાત કરતા કે ચેટીંગ કરતા સમયે એટલું પણ લીનના થઇ જવું કે આસપાસનું ધ્યાન ના રહે..કેટલાક કિસ્સાઓમાં આવી બાબત ગંભીર સ્વરૂપ લઇ શકે છે, અગાઉ એવા કિસ્સાઓ પણ સામે આવી ચુક્યા છે જેમાં કોઈ યુવક રેલ્વે ટ્રેક પર વાતો કરતા કે ગીત સાંભળતા ટ્રેક પરથી પસાર થતા હોય ધ્યાનના રહે અને ટ્રેન આવી અડફેટ લઈને જતી રહે છે, આવો જ વધુ એક ચોકાવનારો કિસ્સો દ્વારકા જીલ્લામાં સામે આવ્યો છે જેની મળતી વિગતો મુજબ દ્વારકા ખાતે શૈક્ષણિક પ્રવાસમાં આવેલા મૂળ સિહોર તાલુકાના વતની એવા એક શિક્ષક ગઈકાલે મોબાઈલમાં વાત કરતા બસમાંથી નીચે પડી જવાના કારણે તેમનું ઇજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવની વિગત એવી છે કે સિહોર તાલુકાના અગિયારી ગામના મૂળ રહીશ અને હાલ તળાજા રોડ પર રહેતા હર્ષદભાઈ રમેશભાઈ જાની નામના 35 વર્ષના શિક્ષક ગઈકાલે બુધવારે એક બસ મારફતે દ્વારકા તથા આસપાસના વિસ્તારોમાં શૈક્ષણિક પ્રવાસમાં આવ્યા હતા.ગઈકાલે બપોરના સમયે તેઓ દ્વારકા દર્શન કરી અને જુનાગઢ પરત જવા માટે નીકળ્યા હતા, ત્યારે દ્વારકા નજીકના હાઇ-વે માર્ગ પર ખોડીયાર મંદિર ચેક પોસ્ટ પાસેથી નીકળતા બસમાં બેઠેલા શિક્ષક હર્ષદભાઈને મોબાઈલ ફોન આવતા તેઓ તેમની સીટ ઉપરથી ઉભા થઈ અને બસના દરવાજા પાસે વાત કરી રહ્યા હતા. ત્યારે એકાએક તેઓ રોડ પર પટકાઈ પડતા તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવ અંગેની જાણ સાથી શિક્ષક કરસનભાઈ ગૌરીશંકર જાની (ઉ.વ. 35, રહે. સિહોર, ભાવનગર) દ્વારા દ્વારકા પોલીસને કરવામાં આવી છે.