Mysamachar.in-દેવભૂમિદ્વારકા:
દેવભૂમિ તરીકે ઓળખાતો હાલારનો દ્વારકા જિલ્લો ખાણમાફિયાગીરીને કારણે પણ, રાજ્યનાં અન્ય કેટલાંક જિલ્લાઓ માફક દાયકાઓથી કુખ્યાત છે, તેમાં હવે (ચૂંટણી પછી) એક ‘ નવી બ્રાન્ડ’ નો પણ ઉદય થયો હોવાનું અત્યંત આધારભૂત સૂત્રો જણાવે છે. નવેસરથી ગોઠવાયેલી આ બાજીને મજબૂત પોલિટિકલ કનેક્શન અને સપોર્ટ હોવાથી, દ્વારકા જિલ્લામાં ખાણોનો ગેરકાયદે ધંધો ફરીથી ધમધમવા માંડ્યો છે. બીજી બાજુ તંત્ર આ નવી બાજીને અંકુશમાં લેવા ઉપાય શોધી રહ્યું હોવાનું પણ જાણકારો કહે છે.
દ્વારકા જિલ્લામાં ખાસ કરીને કલ્યાણપુર તાલુકામાં ઘણાં ખાણમાફિયાઓનું કલ્યાણ માત્રને માત્ર ખાણોના ગેરકાનૂની ધંધાને આભારી હોવાનું સૌ જાણે છે. હાલમાં આ ક્ષેત્રમાં નવા ખેલાડીઓએ ધમાકેદાર એન્ટ્રી લીધી છે. રાતદિવસ ખોદકામનો ધમધમાટ અને સરકારની તિજોરીને નુકશાનનો સિલસિલો શરૂ થયો છે. તેઓને કોઈનો ડર નથી કેમ કે, છેડા ગાંધીનગર સુધી છે. એમ પણ મજાકમાં કહેવાય છે !
અત્યંત આધારભૂત સૂત્રોનાં જણાવ્યા અનુસાર, કલ્યાણપુર તાલુકાના લાંબા, ભોગાત અને નાવદરાની રેતી કેટલાંક માફિયાઓ માટે સોનેરી રેતી સાબિત થવાનું શરૂ થયું છે ! આ ઉપરાંત આ જ તાલુકાના આસોટા, મેંવાસા, વીરપુર, નંદાણા અને રાણ લીમડી પંથકનું બોકસાઈટ નવો પોલિટિકલ સ્પર્શ પામ્યું હોય, માફિયાગીરીને કારણે આ બોકસાઈટ ‘ કાચું સોનું ‘ પૂરવાર થઈ રહ્યું છે ! ચૂંટણી પછી નવી બ્રાન્ડ સાથે મેદાનમાં આવેલાં આ માફિયાઓ ધરતીને ફાડી-ખોદી તેમાંથી ‘ માલ ‘ કાઢી રહ્યા છે !
કારણ કે, રોકટોકની સતા ધરાવતાં તંત્રોના પાયદળીયા માફિયાઓએ ‘ ભાવ ભરીને ‘ ખરીદી લીધાં છે. તંત્રનાં રાજા-વઝીર-હાથીઓ અને ઘોડાઓ જો કે, આ નવી બાજીને કારણે નારાજ છે, કારણ કે તેઓ સુધી એ વાતો પણ પહોંચી ગઈ છે કે, માફિયાઓએ કડક અધિકારીઓ પાછળ પોતાનાં રોજમદારો ગોઠવી દીધાં છે.! આ રોજમદારો અધિકારીઓની મિનિટે મિનિટના લાઈવ રિપોર્ટ, ખાણમાફિયાઓ સુધી પહોંચાડે છે અને એ રીતે કડક અધિકારીઓને ટેન્શનમાં રાખવા માફિયાઓ માઈન્ડ ગેમ પણ રમી રહ્યા હોવાનું જાણવા મળે છે !
અત્રે એ પણ નોંધનીય છે કે – બારાડીનું બોકસાઈટ દાયકાઓથી સમગ્ર રાજ્યમાં કુખ્યાત છે ! અને એવું પણ કહેવાય છે કે – નવી બાજીની ‘ ગોઠવણ ‘ ખાણ માફિયાઓએ ખૂબ મજબૂત રીતે કરી છે ! આગામી સમયમાં આ પંથકમાં કશી નવાજૂની થશે ? કે, આ નવાં ખેલાડીઓ વિજેતા પૂરવાર થશે ?! બંને મુદ્દાઓની જિલ્લામાં ભારે ચર્ચા સાંભળવા મળી રહી છે. આ જિલ્લામાં ખાસ કરીને કલ્યાણપુર પંથકમાં ‘નોકરી’ પણ મલાઈદાર લેખાય છે, આ ખાણોને કારણે ! અને, આવાં નાના નોકરિયાતો જ માફિયાઓને સરવાળે મોટાં બનાવતાં હોય છે. આવી રીતે ઘણાં લોકો આ પંથકમાં મોટાં બન્યા છે.
-એક શક્તિશાળી મોભીની એકદમ નજીક છે, આ ખાણમાફિયાઓ માટે નથી કોઈનો ડર…
હાલમાં જિલ્લામાં એ વાત પણ વાયુવેગે પ્રસરી ગઈ હોવાનું જાણવા મળે છે કે, ખંભાળિયા-ભાણવડ પંથકના એક શક્તિશાળી મોભીની એકદમ નજીક છે, આ ખાણમાફિયાઓ ! જેને કારણે સ્થાનિક તંત્રો સહેમી ઉઠ્યા છે. જો કે, આ આખાં મામલે ગાંધીનગર વિજિલન્સનું ધ્યાન દોરવા માટે ચક્રો ગતિમાન થયાં હોવાની ચર્ચા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળી પૂર્વે આ પ્રકારની સ્થિતિ જામનગર જિલ્લામાં જોડિયા ધ્રોલ પંથકમાં સર્જાઈ ત્યારે, છેક ગાંધીનગરથી વિજિલન્સ ટૂકડીએ ધક્કો ખાવો પડ્યો હતો. કારણ કે, શક્તિશાળી ધંધાર્થીઓ સ્થાનિક તંત્રોને તો યેનકેન પ્રકારે દબાવી દેવાની ટેકનિક જાણતાં હોય છે અને આ પ્રકારના માફિયાઓ અતિ શક્તિશાળી પણ હોય છે. તેઓ ધારે તે કરી શકતાં હોય છે ! પરંતુ ટેકા લઈને સરકારની તિજોરીને કરોડોના નુકશાન પર ગમે તે ઘડીએ વિજીલન્સ ત્રાટકે તે માટે કેટલાક જાગૃતો દ્વારા પ્રયાસો ચાલુ હોવાનું જાણવા મળે છે.