Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
સમગ્ર ભારત સહિત દુનિયાભરમાં ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ દ્વારિકાનગરી યાત્રાધામ તરીકે સુખ્યાત છે. હવે આ ધર્મનગરીને અદભૂત બનાવવામાં આવશે, જ્યાં દ્વારિકા કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે. રાજ્યનાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારિકા નગરી ખાતે અગાઉનાં સંકલ્પ મુજબ દ્વારિકા કોરિડોરનું નિર્માણ કરશે. આ કોરિડોરનાં પ્રથમ તબક્કાનું નિર્માણ કરવા આગામી જન્માષ્ટમી પૂર્વે ભૂમિપૂજન કરવામાં આવશે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ કોરિડોર યોજના અંતર્ગત દ્વારિકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવવામાં આવશે. આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણ સમયનાં ઐતિહાસિક પ્રસંગો વગેરે વણી લઈ દ્વારિકા સર્વિસીઝ તૈયાર કરવામાં આવશે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અનુભવ સૌ કરી શકે તે માટે દ્વારિકા એક્સપિરિયન્સનું નિર્માણ થશે, જે સંપૂર્ણ થ્રી ડી પ્રોજેક્ટ હશે. પશ્ચિમ ભારતમાં આસ્થાનાં સૌથી મોટાં કેન્દ્ર દ્વારિકા ખાતે આ કોરિડોર યોજનાના પ્રથમ તબક્કાનું ભૂમિપૂજન આગામી જન્માષ્ટમી પહેલાં કરવામાં આવશે, એમ આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું.