Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકામાં રહેતા એક પરિવારના પિતા-પુત્રી ગઈકાલે મંગળવારે મોટરસાયકલ પર જઈ રહ્યા હતા, ત્યારે પુરપાટ આવી રહેલી આઈ-ટ્વેન્ટી મોટરકારના ચાલકે આ મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા આ મોટરસાયકલ પર જઈ રહેલા પિતા-પુત્રીના કરુણ મૃત્યુ નિપજ્યા હતા.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકામાં રહેતા ઘેલુભાઈ જેઠાભાઈ કરંગીયા નામના યુવાન તેમની પુત્રી રાધિકાબેન સાથે તેમના મોટરસાયકલ નંબર જી.જે.37 ડી.2854 પર બેસીને લાંબા ગામેથી પટેલકા ગામે જઈ રહ્યા હતા, ત્યારે પોરબંદર-દ્વારકા હાઈવે રોડ પર સતાપર ગામના પાટિયા પાસે રોડ ક્રોસ કરતી વખતે ભોગાત ગામ તરફથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે.37બી. 9590 નંબરની આઈ-20 મોટરકારના ચાલકે ઘેલુભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ જીવલેણ ટક્કરમાં ફંગોળાઈ ગયેલા ઘેલુભાઈ તથા તેમના પુત્રી રાધિકાબેનને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતા બંનેના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે મૃતકના ભાઈ સવદાસભાઈ જેઠાભાઈ કરંગીયા (રહે. નવાગામ, રણજીતપર – તા. કલ્યાણપુર) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસ આઈ-ટ્વેન્ટી મોટરકારના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304 (એ) તથા એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી રાવલ આઉટ પોસ્ટના પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.અકસ્માતના આ બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.