Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
કૃષિ ભારત દેશમાં પ્રાચીન યુગથી ઋષિઓની પરંપરા રહી છે, પ્રકૃતિએ ધરતી પર કૃષિના રૂપમાં માનવજાત પર સૌથી મોટા આર્શીવાદ આપ્યા છે. કૃષિ અને ઋષિની સંસ્કૃતિ ધરાવતા ભારત વર્ષના ધરતીપુત્રો સુખી અને સમૃધ્ધ બને તે માટે ખેડૂતો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ આર્થિક રીતે સમૃધ્ધિની દિશામાં આત્મનિર્ભર બની આગળ આવી રહ્યાં છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ અનેક ખેડૂતો સરકારની વિવિધ યોજનાનો લાભ લઇ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે.
गावो विश्वस्य मातरः ઋગ્વેદના આ શ્લોક અનુસાર વેદોમાં ઋષિઓએ માઁ ના રૂપે ધરતી માતા અને ગૌમાતાને વિશેષ દરજ્જો આપ્યો છે, જેની સુરક્ષાની જવાબદારી દરેક માનવી પર છે. ધરતી માતાનું સ્વાસ્થ્ય ગૌમાતાના સંરક્ષણ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. ત્યારે ખેડૂતો હવે ધરતીમાતાના રક્ષણ કાજે ગૌ આધારીત ખેતી તરફ વળી રહ્યા છે. માત્ર મગફળી, કપાસ, કઠોળ જેવા પાકો જ નહીં પરંતુ વિવિધ ફળોનું પણ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી વાવેતર કરવામાં આવી રહ્યું છે. અને આવક માટેનું નવું માધ્યમ બનાવ્યું છે. ત્યારે હવે ગુજરાતમાં પેશનફ્રુટની ખેતી કરી આર્થિક રીતે આત્મનિર્ભર થવાના દ્વાર ખુલી ગયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના શિવા ગામના ખેડૂત ભાવિન રાવલિયા પેશન ફ્રુટ, ખારેક, જામફળી, સીતાફળી, બોર જેવા અનેક ફળોનું વાવેતર કરી અન્ય લોકોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રેરણા આપી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી વિશે વાત કરતા ભાવિન રાવલીયાએ જણાવ્યું કે, પહેલા અમે રાસાયણિક ખેતી જ કરતા હતા. અને બાદમાં એક વાર સુભાષ પાલેકરજીની પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમમાં ભાગ લીધો. આ તાલીમમાં જતા પ્રાકૃતિક ખેતી અંગેના અનેક ફાયદાઓ જાણવા મળ્યા. અને ખર્ચ પણ નહિવત હોવાથી પ્રાકૃતિક ખેતી કરવાનું નક્કી કર્યું.
વધુમાં જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી કરતા વિચાર આવ્યો કે ફળોની ખેતી કરીએ અને વિવિધ ફળોનું વાવેતર શરૂ કર્યું. અને તેમાં સરકારના બાગાયત વિભાગ દ્વારા આપવામાં આવતી સબસીડીનો પણ લાભ મળે છે. તેમજ મીની ટ્રેકટર પણ મળ્યું છે. અત્યારે પેશન ફ્રુટ કે જે ગુજરાતમાં ઓછું જોવા મળે છે તેનું વાવેતર કર્યું. પેશન ફ્રુટને કેવી જમીન અને કેવું વાતાવરણ અનુકૂળ આવે છે તે અંગે વાત કરતા જણાવ્યું કે, આપણી જમીન, હવામાન અને પાણી દ્વારા પેશનફ્રુટનું ઉત્પાદન કરવું ઘણું જ સરળ છે. અને તેને વાવવા માટેનો સમય પણ ફિક્સ નથી. તમે કોઈ પણ ઋતુમાં તેનું વાવેતર કરી શકો છો. સામાન્ય રીતે 18 c. થી 35c. સુધીના તાપમાનમાં ખૂબ જ સારી રીતે ઉછેર થાય છે. મંડપ પદ્ધતિ કે ટ્રેલિશ પદ્ધતિથી આ વેલનો ઉછેર કરવો જોઈએ.
આ ફળનો ઔષધીય, શરબત, એનર્જી ડ્રિન્ક અને ઇમ્યુનિટી બુસ્ટર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ ફ્રૂટથી શ્વસનતંત્ર, આંખોને ફાયદો થાય છે. તેમજ કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે, કબજીયાત, અપચો, એસીડીટીમાં ફાયદો કરે છે. આ ઉપરાંત રક્તકણોની સંખ્યામાં પણ વધારો કરે છે.વધુમાં ભાવિનભાઈએ જણાવ્યું કે, માત્ર પેશનફ્રુટ જ નહીં પણ ખારેક, આંબા, જામફળી, લીચી, સ્ટારફ્રુટ, બોર સહિતના અનેક ફળોનું વાવેતર કરું છું. હું 40 વિઘામાં બાગાયતી ખેતી કરું છું. અને સારી આવક પણ મેળવું છું. પણ હાલમાં અમદાવાદ, દિલ્હી બાજુ પેશનફ્રુટની માંગ વધુ છે. અને ધીમે ધીમે તમામ લોકો પણ પેશનફ્રુટથી વાકેફ થતા જશે તેમ તેમ તેની માંગ પણ વધતી જશે.
આગળ ભાવિનભાઈએ કહ્યું કે, જો સુભાષ પાલેકરજીની પ્રાકૃતિક ખેતી વિશેની તાલીમમાં ના ગયો હોત તો મને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો વિચાર ના આવ્યો હોત. અને સરકારનો પણ આભાર માનતા જણાવ્યું કે, બાગાયતી વિભાગ દ્વારા આપવામાં આવતી સબસીડીથી ઘણો ફાયદો થાય છે. અને મને મીની ટ્રેકટર પણ મળ્યું છે જેથી ખેતીમાં સરળતા રહે.