Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
વર્ષો પહેલાં, જામનગર જિલ્લામાં સમાવિષ્ટ ખંભાળિયા નજીકનાં સલાયા ખાતે તંત્રો દ્વારા મેગા ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. આજે ફરી એવાં દ્રશ્યો યાત્રાધામ બેટ-દ્વારકા ખાતે જોવા મળી રહ્યા છે. કોમર્શિયલ દબાણો હટાવવા મેગા ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. આ તકે કેટલાંક શખ્સોને ડીટેઈન પણ કરવામાં આવ્યા છે અને એસઆરપી ટૂકડી સહિતનો જબ્બર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. યાત્રાધામ બેટ-દ્વારકામાં ધાર્મિક, રહેણાંક અને કોમર્શિયલ દબાણો નોંધપાત્ર સંખ્યામાં છે અને વધી રહ્યા છે એવું સર્વે પછી તંત્રનાં ધ્યાનમાં આવતાં આજે ઓક્ટોબર મહિનાનાં પ્રથમ દિવસે અત્રે મેગા ડીમોલીશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકાના એસપી નિતેશ પાંડેએ જણાવ્યું હતું કે, આજે કોમર્શિયલ દબાણો હટાવવામાં આવશે. ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે તથા ઓપરેશન દરમિયાન આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે સમગ્ર યાત્રાધામ માં તથા સ્ટ્રેટેજીક પોઈન્ટ પર સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈને ડીટેઈન કરવામાં આવ્યા છે કે કેમ ? એ પ્રશ્નનાં જવાબમાં તેમણે કહ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ધ્યાનમાં રાખી, કેટલાંક લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, દ્વારકા પોલીસ, જિલ્લા પોલીસ ઉપરાંત એસઆરપી તથા અન્ય જિલ્લાઓમાંથી આ ઓપરેશન માટે પોલીસદળ લાવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓપરેશન સ્થળે જે પ્રકારે મોટો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેનાં પરથી સમજાઈ રહ્યું છે કે, આ ઓપરેશન લાંબુ ચાલશે અને રાજ્ય સરકારમાંથી પણ કડક અને વ્યાપક કામગીરી માટે લીલી ઝંડી મળી હોય શકે છે.
કલેકટર તથા એસપી સહિતનાં અધિકારીઓ સમગ્ર ઓપરેશનને માર્ગદર્શન અને સૂચનાઓ આપી રહ્યા છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. એ પણ નોંધનીય છે કે, આ યાત્રાધામ સંદર્ભે વિવિધ પ્રકારના સંવેદનશીલ વિવાદો છેલ્લાં ઘણાં સમયથી હાઈલાઈટ થઈ રહ્યા હતાં, તેથી સ્થાનિક લોકોને અંદેશો હતો જ કે, ગમે ત્યારે નવાજૂની થશે. અને, મોટેપાયે થશે એવી પણ લોકોને ખાતરી હતી. પાલિકા અને રેવન્યુ વિભાગ દ્વારા ડીટેઈલ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને તે વિગતોના આધારે આ મેગા ડીમોલીશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, એમ પણ એસપીએ ઉમેર્યું હતું. આજે સવારે દરિયાકિનારા નજીકની વિશાળ જમીન પર ખડકાયેલા પાકાં ( પથ્થરોના) તથા છાપરાવાળા ઘણાં બાંધકામો જેસીબી વડે દૂર કરવામાં આવ્યા હતાં. આ કામગીરી દરમિયાન લોકોનાં ટોળાં એકત્ર ન થાય તે અંગે પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હતી.