Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના મૂળ વતની તથા રાજ્યના પૂર્વ મંત્રી અને જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આસો નવરાત્રી નિમિત્તે અનુષ્ઠાન કરવામાં આવ્યા છે.સમગ્ર હાલાર પંથકના રાજપુત સમાજના આગેવાન હકુભા જાડેજા દ્વારા ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે બિરાજતા શ્રી આશાપુરા માતાજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ અનુષ્ઠાન તથા હવનનું આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રથમ નોરતાથી શરૂ થયું છે.
– 11 લાખ મંત્રોનું અનુષ્ઠાન: સવા લાખ મંત્રનો હવન –
પૂર્વ રાજ્યમંત્રી અને જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા દ્વારા ભાતેલના આશાપુરા માતાજીના મંદિરે રોજ સવારથી સાંજ સુધી પાઠશાળાના વિદ્વાન પંડિતો સાથે નવાહન મંત્રના જાપ કરવામાં આવે છે. જે તમામ કાર્ય શાસ્ત્રી રાજદીપભાઈની આગેવાની હેઠળ થાય છે. 11 લાખ મંત્રોના અનુષ્ઠાન જાપ સાથે સવા લાખ મંત્ર જાપ બાદ આઠમના રોજ યજ્ઞનું પણ આયોજન થયું છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ આહુતિમાં વિવિઘ ફળ સાથેનો યજ્ઞ યોજવામાં આવે છે. આ વખતે પણ બિલ્વ ફળની આહુતિ આપવામાં આવશે. સતત દસ વર્ષથી હકુભા જાડેજા દ્વારા આ જ પ્રકારે અનુષ્ઠાન અને હવન કરવામાં આવે છે. આ અંગે હકુભા જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાતના લોકોની સુખ-શાંતિ તથા તમામ લોકો અને સમાજના આરોગ્ય અને સમૃદ્ધિ માટે આ યજ્ઞનું આયોજન તથા અનુષ્ઠાન થઈ રહ્યું છે.