Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દ્વારકા નજીક ગઈકાલે બપોરે અર્ટિગા મોટરકાર એક પુલ પાસે અથડાતા સર્જાયેલો અકસ્માત જીવલેણ લેવડ્યો હતો. જેમાં સાણંદના 22 વર્ષના યુવાનનું કરુણ મૃત્યુ હતું.આ પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકા – ઓખા ધોરીમાર્ગ પર રૂપેણ બંદર વિસ્તારમાં જી.જે. 01 કે.યુ. 5123 નંબરની એક અર્ટિગા મોટરકાર લઈને જઈ રહેલા અમદાવાદના સોલા – બોપલ વિસ્તારમાં રહેતા રોહન અશોકજી પરમાર નામના યુવાને પુરપાટ જતી આ મોટરકારના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા આ કાર રોડ પરના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ ગયા બાદ પલટી મારી ગઈ હતી.
આ ગંભીર અકસ્માતમાં કારમાં જઈ રહેલા અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે રહેતા અજયસિંહ અશોકસિંહ ઝાલા ગામના 22 વર્ષના યુવાનને માથાના ભાગે તથા શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો.આ અકસ્માતમાં કારમાં જઈ રહેલા જતીનકુમાર તથા અજયસિંહ ઠાકોર ગામના બે યુવાનોને પણ ફ્રેક્ચર સહિતની ઇજાઓ થતાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. આ સમગ્ર બનાવ અંગે બોપલ-સોલા ખાતે રહેતા વિજયભાઈ વિસાજી ઠાકોર (ઉ.વ. 27) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે કારના ચાલક રોહન અશોકજી પરમાર સામે આઈ.પી.સી. કલમ 279, 304 (એ), 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.