Mysamachar.in- દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની બેઠક જિલ્લા કલેક્ટરની કચેરી ખંભાળિયા ખાતે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેકટર જનરલ પી.કે. તનેજાની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં ડી. ડી.એમ.સી.ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.ડિઝાસ્ટર મેનેજમેન્ટનો અર્થ ડિઝાસ્ટર બને એ પછીનું પ્રબંધન નહિ, પણ આપત્તિ કે દુર્ઘટનાનાં જોખમો અગાઉથી પારખીને, તેનો ઉકેલ લાવવા માટે તૈયાર રહેવુ છે તેમ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેકટર જનરલ પી.કે. તનેજાએ જણાવ્યુ હતું.
તનેજાએ વધુમાં જણાવ્યુ કે, દરેક જિલ્લાનો પોતાનો ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ પ્લાન હોવો જોઈએ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આવો પ્લાન બનાવવા અંગે માહિતગાર કર્યા હતા. તેમણે પ્રિવેન્શન, મિટિગેશન, અને પ્રિપેરેશન આ ત્રણ શબ્દ પર ભાર મુકતા કહ્યું હતું કે, દુર્ઘટના બને પછી નહિ, પણ દુર્ઘટના બનવાની સંભાવના અગાઉથી પારખી, અને તેના દુર્ઘટનાના કારણોને તાત્કાલીક નાબૂદ કરવા જોઈએ.વધુમાં તનેજાએ દરેક શાળામાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની જેમ, સ્કૂલ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ કમિટી બનાવવા અંગે પણ જણાવ્યું હતું.આ મિટિંગના પ્રારંભ પૂર્વે જિલ્લા કલેકટ એમ.એ.પંડ્યા તેમજ જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજાએ પી.કે. તનેજાને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. આ મિટિંગમાં વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.