Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દ્વારકા ખાતે 19 ઓગસ્ટના જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જેના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કલેકટર એમ.એ.પંડ્યાએ પોતે જાતે જ તૈયારીઓને નિહાળી જરૂરી સૂચનો પણ કર્યા હતા, આ તકે જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યાએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવ ઉજવાશે. કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે બહોળી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય ત્યારે ટ્રાફિક સમસ્યા ના સર્જાઈ, વાહન પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવા, હેલ્પ ડેસ્ક ઉભા કરવા સહિતની બાબતો પર યોગ્ય ધ્યાન આપવા જણાવાયું હતું.
વધુમાં કલેક્ટર એમ.એ.પંડ્યાએ જણાવ્યું હતું કે, બહોળી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવનાર હોય ત્યારે નજીકના બીચ પર સેલ્ફી લેવા માટે લોકો દરિયા કિનારા નજીક જાય નહીં જેથી કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. આ ઉપરાંત રેસ્ક્યુ ટીમ રાખવા અંગે પણ જણાવ્યું હતું.આ ઉપરાંત લોકો કોરોના ગાઈડલાઈનનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તેની ખાસ તકેદારી રાખવા લોકોને અપીલ કરી છે. તેમજ હોટેલ એસોસિએશન દ્વારા યાત્રિકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે.કલેકટર સાથેની સમીક્ષા બેઠકમાં જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.