Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ખંભાળિયા તાલુકામાં સરકારી શિક્ષકોને બી.એલ.ઓ. તરીકેની વધારાની કામગીરી સોંપવામાં આવે છે. આ વધારાની કામગીરીમાં વિવિધ મુદ્દે શિક્ષકોને નોટિસો આપવામાં આવતા તાલુકાના શિક્ષકોમાં રોષની લાગણી જોવા મળી છે.ખંભાળિયા તાલુકામાં કામગીરી કરી રહેલા શિક્ષકોને મતદાન નોંધણી અધિકારી દ્વારા બી.એલ.ઓ.ની કામગીરી સોંપવામાં આવ્યા બાદ 150 થી વધુ શિક્ષકોને તેઓની કામગીરી નબળી હોવાનું જણાવી, નોટિસ આપવામાં આવતા આવા કર્મચારીઓમાં કચવાટ સાથે અસંતોષ આપી ગયો છે.
સરકારી શાળાના શિક્ષકો દરરોજ સવારથી સાંજ સુધી તેમની શિક્ષક તરીકેની ફરજ પૂર્ણ કરવા બાદ તેઓને ફાળવવામાં આવેલા વિસ્તારોમાં દરરોજ ઘેર ઘેર જઈ અને ચારથી પાંચ કલાક સુધી બી.એલ.ઓ. તરીકેની કામગીરીમાં મતદાર યાદી સુધારણા અંતર્ગત વિવિધ પ્રકારના કામો કરવા પડે છે. આટલું જ નહીં, મોડી સાંજે અથવા રાત્રે તેમની કામગીરી પૂર્ણ થયા બાદ આ અંગે ચોક્કસ એપ્લિકેશન મારફતે રિપોર્ટિંગ પણ કરવું પડે છે.
આમ, શિક્ષક તથા બીએલઓની ડબલ કામગીરીથી શારીરિક તથા માનસિક રીતે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગંભીર બાબતતો એ છે કે ગ્રામ્ય તથા અભણ અને ગરીબ વર્ગના વિસ્તારોમાં મુખ્ય મોભી ઘરે હોતા નથી અને તેઓ કામ પર ગયા હોવાથી સહકાર મળતો નથી. મહિલા કર્મચારીઓ તેઓની કામગીરીમાં કેટલાક વિસ્તારોમાં તો તેમના પતિ કે કોઈ સગા પુરુષ વગર જઈ પણ શકતા નથી. આ પરિસ્થિતિમાં નોકરી ઉપરાંત બીએલઓની કામગીરી કરવા છતાં પણ નોટિસો આપવામાં આવતા શિક્ષકોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે.બી.એલ.ઓ.ના આ પ્રશ્ને પ્રાથમિક શૈક્ષણિક મહાસંધ દ્વારા ખંભાળિયાના મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં અધ્યક્ષ ઘેલુભાઈ છૂછર, રામભાઈ ખુંટી વિગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.