Mysamachar.in-દેવભૂમિ દ્વારકા;
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાંથી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતો સસ્તા અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખવા સબબ ત્રણ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. આ પ્રકરણ અંતર્ગત રૂપિયા સવા નવ લાખના ઘઉં તથા ચોખાનો જથ્થો મળી કુલ રૂપિયા 16.25 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો.આ પ્રકરણમાં જિલ્લા પુરવઠા અધિકારી તેમજ ડીવાયએસપી દ્વારા કડક કાર્યવાહી કરી, ડોર સ્ટેપ ડિલિવરીના ઇજારદાર રાજુ નગા ચેતરીયા, વાહન ચાલક નાથા અરજણભાઈ ભાણસુર અને મુકેશ રતનભાઈ દુધરેજીયા નામના ત્રણ શખ્સોના નામો ખુલવા પામ્યા હતા. બાદમાં આ પ્રકરણમાં જામનગરના અન્ય એક વેપારી સામે પણ ધરપકડ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.
સસ્તા અનાજના કાળા બજારના આ સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વકની તપાસ હાલ ચાલી રહી છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પુરવઠા અધિકારી અને પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા દ્વારા ભાણવડ ઉપરાંત રાણપર, કાટકોલા અને શેઢાખાઈ ગામના કુલ ચાર સસ્તા અનાજના લાયસન્સ સસ્પેન્ડ કરી, તાકીદની અસરથી બંધ કરવા હુકમ કર્યો છે.આ ઉપરાંત દ્વારકા જિલ્લામાં સરકારી ગોડાઉનની કામગીરી કરતા ખંભાળિયાના ડી.એચ. બાંભવાની બદલી દ્વારકા, કલ્યાણપુરમાં કામગીરી સંભાળતા એન.જે. ગોજીયાને ભાણવડના ગોડાઉન ખાતે તેમજ ભાણવડના સી.જી. પટેલને દેવભૂમિ દ્વારકા જિલ્લા કચેરીના નાયબ જિલ્લા મેનેજર તરીકે, દ્વારકા ગોડાઉનના આસિસ્ટન્ટ રોનકભાઈ યોગીને કલ્યાણપુર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા કચેરીના નાયબ જિલ્લા મેનેજર ડી.એમ. સુવાની બદલી ખંભાળિયા ગોડાઉન ખાતે કરવામાં આવી છે.
આ પ્રકરણમાં હજુ પણ જિલ્લા પુરવઠા અધિકારી પાર્થ કોટડીયા દ્વારા તપાસ તથા ચેકિંગ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના સંદર્ભે વધુ કેટલીક બાબતો પર પ્રકાશ પડે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા કરવામાં આવેલા કેન્દ્રના સસ્પેન્ડ કરવા તેમજ સ્થાનિક કર્મચારીઓની બદલીના આ હુકમે સ્થાનિક વર્તુળોમાં ચર્ચા જગાવી છે.