Mysamachar.in:દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસની પ્રતીક્ષા બાદ આજરોજ પુનઃ મેઘરાજાના મંડાણ થયા હતા અને જિલ્લામાં સાર્વત્રિક મુશળધાર વરસાદ વરસ્યો હતો.ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વધી ગયેલા બફારાભર્યા માહોલ બાદ આજે સવારથી વરસાદી વાતાવરણ છવાયું હતું અને બપોરના સમયે ધીમીધારે છાંટા વરસ્યા હતા. ખંભાળિયા પંથકમાં આ વરસાદે બપોરે વેગ પકડતા સાંજે છ વાગ્યા સુધીમાં બે ઈંચ (46 મી.મી.) વરસાદ વરસી ગયો હતો.
આ ઉપરાંત કલ્યાણપુર તાલુકામાં 1 ઈંચ (26 મી.મી.) ભાણવડ તાલુકામાં 1 ઈંચ (24 મી.મી.) અને દ્વારકા તાલુકામાં પોણો ઈંચ (17 મી.મી.) વરસાદ વરસી ગયાનું નોંધાયું છે.ખંભાળિયા સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સચરાચર વરસાદ હોવાથી ખાસ કરીને ધરતીપુત્રો ખુશખુશાલ બન્યા છે. આજે સાંજે છ વાગ્યા સુધીમાં મોસમનો કુલ ખંભાળિયામાં 136, ભાણવડમાં 56, કલ્યાણપુરમાં 30 અને દ્વારકા તાલુકામાં 23 મીલીમીટર કુલ વરસાદ વરસી ચૂક્યો છે.