Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દ્વારકા નગરપાલિકામાં બાંધકામ વિભાગના ફરજ બજાવતા કર્મચારી દ્વારા એક આસામી પાસેથી બાંધકામ પરવાનગીના બદલામાં રૂપિયા 2,000 ની લાંચ લેવાના 11 વર્ષ પૂર્વેના ગુનામાં દ્વારકાની એડિશનલ સેશન્સ અદાલતે લાંચ લેતા ઝડપાયેલા કર્મચારીને ત્રણ વર્ષની સખત કેદ તથા રોકડ ફટકારતો હુકમ કર્યો છે.આ પ્રકરણની વિગત મુજબ દ્વારકા નગરપાલિકા વિસ્તારમાં રહેતા એક આસામી દ્વારા તેમના પત્નીના નામે આવેલા પ્લોટમાં બાંધકામ માટેની મંજૂરી મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. જે સંદર્ભે દ્વારકા નગરપાલિકાના તત્કાલીન વર્ગ ત્રણના કર્મચારી અને ઓવરશિયર તરીકે કામ કરતા રમેશભાઈ મેઘજીભાઈ કણજારીયા દ્વારા લાંચની માંગણી કરવામાં આવતા વર્ષ 11-03-2011માં જામનગર એ.સી.બી. પોલીસે છટકું ગોઠવીને તેને રૂપિયા બે હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો.
આ અંગેના વિવિધ પુરાવાઓ એકત્ર કરી અને ચાર્જશીટ બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લા સરકારી વકીલ લાખાભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલી ધારદાર દલીલોને ધ્યાને લઈ અને દ્વારકાની સ્પેશિયલ એડિશનલ સેશન્સ અદાલત સમક્ષ આ કેસ ચાલી જતા અદાલત દ્વારા લાંચ લેતા ઝડપાયેલા કર્મચારીને ત્રણ વર્ષની સખત કેદ તથા જુદા-જુદા ગુનામાં રૂપિયા 10 હજારનો રોકડ ફટકારતો હુકમ કર્યો છે.કોઈપણ સરકારી કર્મચારી કે અધિકારી તેઓની ફરજમાં આવતા કામ માટે લાંચની માગણી કરે તો એસીબી વિભાગના ટોલ ફ્રી નંબર 1064 અથવા વોટ્સએપ નંબર 90999 11955 ઉપર જાણ કરવા એસીબી વિભાગ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.