Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ખંભાળિયા તાલુકાના સલાયા ગામના એક વાણવટીનું કિંમતી વહાણ એકાએક આગમાં લપેટાઈ ગયું હતું. જેના કારણે આ વહાણ માલસામાન સાથે બળીને ખાખ થઇ ગયું હતું. જો કે તેમાં સવાર તમામ 20 ખલાસીઓને અન્ય વહાણની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા.આ સમગ્ર પ્રકરણની વહાણવટી વર્તુળો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા સલીમભાઈ ઈસ્માઇલ ભાયાની માલિકીનું અને તાજેતરમાં જ નવું નકોર બનાવીને દરિયામાં મુકવામાં આવેલું 1200 ટનની કેપેસિટી ધરાવતું બી.ડી.આઈ. 1496 રજીસ્ટ્રેશન નંબર ધરાવતું “અલ ખજર” વહાણ ગત તારીખ છઠ્ઠી મે ના રોજ સલાયાથી દુબઈ ગયું હતું.
સલાયાથી માલસામાન ભર્યા વગર નીકળેલું આ વહાણ ગત તારીખ 31 મેના રોજ દુબઈથી જનરલ કાર્ગો સપ્લાય સાથે યમન જવા માટે નીકળ્યું હતું. આ વહાણ યમન પહોંચે તે પહેલા ગત રાત્રીના આશરે દોઢેક વાગ્યે ઓમાન નજીક મસ્કત પોર્ટથી થોડે આગળ કોઈ કારણોસર આગમાં લપેટાઈ ગયું હતું. વહાણમાં આગ લાગતાં આ વહાણમાં સવાર ખલાસીઓ તેમની સાથે જઈ રહેલા અન્ય એક “મહેબુબ મોયુદ્દીન” નામના વહાણ મારફતે સલામત રીતે નીકળી જવામાં સફળ થયા હતા. આ તમામ ખલાસીઓને આ બોટ મારફતે મસ્કત લઈ જવા માટે રવાના કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સલાયાની બોટ મહેબૂબ મોયુદ્દીન તથા અન્ય કેટલાક માલવાહક જહાજ દુબઈથી યમન જવા માટે સાથે નીકળ્યા હતા. આમ, સલાયાની મહેબૂબ મયુદ્દીન વીસ ખલાસીઓ માટે આશીર્વાદરૂપ બની રહી હતી.વધુમાં જાણવા મળતી વિગત મુજબ કોઈ કારણોસર વહાણમાં લાગેલી આ આગના કારણે આશરે રૂપિયા પાંચથી સાત કરોડ જેટલી કિંમત ધરાવતું “અલ ખજર” વહાણ તેમજ આ વહાણમાં રહેલો તમામ કિંમતી માલ-સામાન નષ્ટ થઈ ગયો હતો. આ વહાણના ખલાસીઓ મસ્કત પહોંચ્યા બાદ સલામત રીતે હવાઈ માર્ગે અથવા દરિયાઈ માર્ગે થઈને સલાયા પરત આવી જશે. વહાણના ખલાસીઓ સલામત હોવાથી તેમના પરીવારજનોમાં રાહતની લાગણી જોવા મળી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 26 મે ના રોજ સલાયાનું 282 ટનની કેપેસીટી ધરાવતું એક વહાણ દરિયામાં ગરક થઈ ગયું હતું. તેમાં સવાર તમામ છ ખલાસીઓનો પણ બચાવ થયો હતો. ત્યારબાદ અકસ્માતના આ વધુ એક બનાવે વહાણવટી વર્તુળોમાં ચિંતાની લાગણી પ્રસરાવી છે.