My samachar.in:- દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશ્વવિખ્યાત જગત મંદિર શ્રી દ્વારકાધીશજીના દર્શને આવતીકાલે રવિવારે રામનવમીના પવિત્ર પર્વે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું આગમન થનાર છે. જિલ્લા તંત્ર દ્વારા તેની સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ અપાઇ ગયો છે.દ્વારકા ખાતે રાષ્ટ્રપતિના આગમન પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યા, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, અધિક નિવાસી કલેકટર કે.એમ. જાની તથા સ્ટાફ દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થા સહિતની કામગીરી કરવામાં આવી છે.આવતીકાલે રવિવારે સવારે 11:30 વાગ્યે દ્વારકાના હેલીપેડ પર રાષ્ટ્રપતિ રામનાથજીનું આગમન થશે તેમની સાથે રાજ્યના ગવર્નર દેવવ્રત આચાર્ય તથા શહેરી વિકાસ મંત્રી વિનુમોરડિયા પણ જોડાશે…
દ્વારકાના હેલીપેડ પર જિલ્લા સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ સાથે દ્વારકા નગરપાલિકાના પ્રમુખ તેમને આવકારશે.હેલીપેડથી તેઓ દ્વારકાના સર્કિટ હાઉસ ખાતે જઈ અને સ્થાનિક આગેવાનો સાથે મીટીંગ રાખી, બપોરે દ્વારકાધીશજીના પૂજન અર્ચન કરશે. આ સાથે આર્કિયોલોજી વિભાગ દ્વારા મંદિર વિશે પ્રેઝન્ટેશન થશે. જેમાં જિલ્લા કલેકટર સાથે મંદિર સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજભાઈ નથવાણી પણ જોડાશે.ત્યારબાદ રાષ્ટ્રપતિ સર્કિટ હાઉસ ખાતે ભોજન લઇ ત્યાં આગેવાનો- અધિકારીઓ સાથે મિટિંગ સંપન્ન કરી, સાંજે 4:30 વાગ્યે હેલીપેડ મારફતે વિદાય થશે.