My samachar.in:દેવભૂમિ દ્વારકા
સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આજરોજ ધોરણ 10 તથા ધોરણ 12 ની વાર્ષિક પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. રાજ્યમાં આજથી શરૂ થયેલી બોર્ડની આ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ નિશ્ચિંત રીતે પરીક્ષા આપી શકે તે માટે તંત્ર દ્વારા નોંધપાત્ર કવાયત કરવામાં આવી રહી છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિક્ષણ વિભાગ તથા વહીવટી તંત્ર દ્વારા દ્વારકા તાલુકાના બેટ દ્વારકા ખાતે રહેતા વિદ્યાર્થીઓને ધોરણ 10 તથા ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓ આપવા માટે કેન્દ્ર સુધી પહોંચવામાં હાલાકી ન થાય અને તેઓ સમયસર કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે એક ખાસ બોટની વ્યવસ્થા કરવામાં આવી છે.
જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યા અને જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા ખાસ અભિગમ અપનાવી અને દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણ અધિકારી બી.એચ. વાઢેર સાથે સંકલન કરી ધોરણ 10 તથા ધોરણ 12 ના બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે બેટ દ્વારકાથી ઓખા પોર્ટ સુધી જવા માટે એકમાત્ર વિકલ્પ એવી બોટની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.પરીક્ષા કેન્દ્ર સુધી અલગ-અલગ બોટમાં અલગ-અલગ સમયે બોટ સિવાય પહોંચવાનો અન્ય કોઈ રસ્તો ન હોવાથી તંત્રએ માનવીય તથા હકારાત્મક અભિગમ અપનાવી અને આ બોટની વ્યવસ્થા કરવામાં આવતા વિદ્યાર્થીઓ માટે આ બાબત રાહતરૂપ સાથે વાલીઓમાં પણ આ બાબત સરાહનીય બની રહી છે.