Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ખંભાળિયા શહેરની મધ્યમાં મધરાત્રે આવી રહેલી એક સ્વિફ્ટ કાર કોઇ કારણોસર વિચિત્ર રીતે બેકાબૂ બની ગઇ હતી. જેના કારણે આ વિસ્તારમાં જુદી-જુદી દુકાનો સાથે અથડાયા બાદ આ કારનો ભુક્કો બોલી ગયો હતો. જેમાં રહેલા પાંચ જેટલા વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.આ પ્રકરણ અંગેની વિગત મુજબ ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા ફૈઝલ દોસ્મામાદ દોસાણી નામના વ્યક્તિ ગઈકાલે રાત્રે આશરે પોણા વાગ્યે અહીંના રેલવે સ્ટેશન રોડ ઉપરથી નગર ગેઈટ વિસ્તારમાં તેમની જી.જે.10 એ.પી.0632 નંબરની સ્વીફ્ટ મોટરકારમાં આવી રહ્યા હતા, ત્યારે આ મોટરકાર કોઇ કારણોસર બેકાબૂ બની જતા નગર ગેઈટ વિસ્તારમાં કેટલાક ઓટલાઓ તથા ગ્રીલ સાથે ટકરાયા બાદ આ કાર પલટી ખાઈ ગઈ હતી.
જેના કારણે કાર ચાલક ફૈઝલ તથા તેમાં સવાર મુસાફરોને નાની-મોટી ઇજાઓ થતા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસે ફૈઝલ સામે આઈ.પી.સી. કલમ 279 મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.શહેરના મધ્ય ચોકમાં મધ્ય રાત્રિએ કાર બેકાબુ થઇને પલટી જતાં તેના સ્પેરપાર્ટ જુદા-જુદા ભાગોમાં વિખેરાઈ ગયા હતા અને ક્રેનની મદદ વડે આ મોટરકારને એક તરફ ખસેડીને રાખવામાં આવી હતી.