Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના વાડીનાર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અને તેના તબીબ પતિને ચાર દિવસ પૂર્વે રાજકોટ ખાતેથી એસીબી ટીમ રાજકોટે દોઢ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા બાદ એસીબી દ્વારા પ્રથમ બંન્નેને રાજકોટ કોર્ટમાં રજુ કરતા કોર્ટે 26 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધીના રિમાન્ડ બન્નેના આપ્યા હતા, જે બાદ આજે રિમાન્ડ પૂર્ણ થતા બન્નેને કોર્ટ સમક્ષ રજુ કરી અને એસીબી ટીમ દ્વારા સરપંચના તબીબ પતિ અબ્બાસભાઈ ઇબ્રાહીમભાઇ સંઘારના વધુ 2 દિવસના રિમાન્ડની માગની કરવામાં આવી હતી, જેમાં 21000 રીકવર કરવા માટે તેના રિમાન્ડ માગવામાં આવ્યા હતા જે કોર્ટે સરપંચના તબીબ પતિના વધુ 2 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. જયારે મહિલા સરપંચ હુશેનાબાનુ અબ્બાસભાઈ સંઘારને જેલ હવાલે કરવાનો હુકમ થયાનું એસીબી સુત્રોએ જણાવ્યું છે,
-શું હતો કેસ…
વાડીનાર ગ્રામ પંચાયત તા.ખંભાળિયા જી. દેવભૂમિ દ્વારકાના હુશેનાબાનુ અબ્બાસભાઈ સંઘાર હાલ સરપંચ છે તેમજ તેના પતિ ડો.અબ્બાસભાઇ ઇબ્રાહીમભાઇ સંઘાર, મહિલા સરપંચના પતિ છે, જે બન્નેએઆ કેસના ફરીયાદીને IOCL વાડીનાર ખાતે બાઉન્ડ્રી વોલનું બાંધકામ અને સાઇટ ડેવલપમેન્ટ કરવા માટેનું કામ મળેલ હોય, જે કામ ચાલુ કરવા દેવા તથા કામમાં અડચણ નહીં કરવા માટે વાડીનાર ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિએ ફરીયાદી પાસે રૂ.4 લાખ તથા ઘરવખરીનો સામાન, 3 -મોબાઇલ તથા બે આઇફોનની માંગણી કરેલ. જે પૈકી ઘરવખરીનો સામાન તથા બે સેમસંગ તથા એક નોકીયા મળી ૩ મોબાઇલ ફોન તથા રૂ.50,000 રોકડા અગાઉ ફરીયાદી તથા ફરીયાદી સાથે કામ કરનાર અન્ય વ્યક્તિ પાસેથી સ્વીકારી લીધેલ અને બાકીની રકમ રૂ.3.50 લાખ તથા બે આઇ ફોન પૈકી દોઢ લાખ છટકું ગોઠવાયું તે દિવસ રાજકોટ આપવાનો વાયદો કરેલ હોય, જે રાજકોટ ખાતે ગોઠવાયેલા છટકામાં એસીબીએ મહિલા સરપંચ અને તેમના પતિએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી સરપંચ વતી તેના પતિએ ફરીયાદી પાસેથી રૂા.દોઢ લાખની લાંચની રકમ સ્વીકારી ઝડપાઇ ગયા હતા, આ કાર્યવાહી મદદનીશ નિયામક એસીબી રાજકોટ એકમ એ.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.આઈ.રાજકોટ એસીબી મયુરધ્વજસિંહ સરવૈયા અને તેમની ટીમ દ્વારા સફળતાપુર્વક કરવામાં આવી હતી.