Mysamachar.in-દેવભૂમી દ્વારકા:
કોઈ હોદ્દા પર આરૂઢ થયા બાદ કેટલાય હોદેદારોને એવી હવા આવી જાય છે કે આપણું શું થાય..અને તેવું માની કેટલાય હોદેદારો બેફામ ભ્રષ્ટાચાર આચરે છે અને જાણે દુકાન ખોલી હોય તેમ કામ કરનાર લોકો પાસેથી નાણા પડાવે છે, અથવા તો મોંઘીદાટ ચીજવસ્તુઓ પડાવે છે, પરંતુ જયારે આવા કિસ્સાઓ એસીબી સમક્ષ પહોચે તો આવા પદાધિકારીઓ સામે પણ ગુન્હો દાખલ થાય છે.જેમાં શહેરી કક્ષાએ મહિલા હોદેદારો સદસ્યના વહીવટ પતિદેવ કરતા હોય છે, તેમ ગ્રામ્યકક્ષાએ મહિલા સરપંચોના વહીવટ તેમના પતિદેવ કરતા હોય છે..તેવું કેટલાય કિસ્સાઓમાં ફલિત થઇ ચુક્યું છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના વાડીનાર ગ્રામ પંચાયતના સરપંચ અને તેમના પતિ આજે રાજકોટ ખાતેથી એસીબીના છટકામાં ઝડપાઈ ગયા છે.
એસીબીએ જાહેર કરેલ વિગતો મુજબ વાડીનાર ગ્રામ પંચાયત તા.ખંભાળિયા જી. દેવભૂમિ દ્વારકાના હુશેનાબાનુ અબ્બાસભાઈ સંઘાર હાલ સરપંચ છે તેમજ તેના પતિ ડો.અબ્બાસભાઇ ઇબ્રાહીમભાઇ સંઘાર, મહિલા સરપંચના પતિ છે, જે બન્નેએ આ કેસના ફરીયાદીને IOCL વાડીનાર ખાતે બાઉન્ડ્રી વોલનું બાંધકામ અને સાઇટ ડેવલપમેન્ટ કરવા માટેનું કામ મળેલ હોય, જે કામ ચાલુ કરવા દેવા તથા કામમાં અડચણ નહીં કરવા માટે વાડીનાર ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિએ ફરીયાદી પાસે રૂ.4 લાખ તથા ઘરવખરીનો સામાન, 3 -મોબાઇલ તથા બે આઇફોનની માંગણી કરેલ. જે પૈકી ઘરવખરીનો સામાન તથા બે સેમસંગ તથા એક નોકીયા મળી ૩ મોબાઇલ ફોન તથા રૂ.50,000 રોકડા અગાઉ ફરીયાદી તથા ફરીયાદી સાથે કામ કરનાર અન્ય વ્યક્તિ પાસેથી સ્વીકારી લીધેલ અને બાકીની રકમ રૂ.3.50 લાખ તથા બે આઇ ફોન પૈકી દોઢ લાખ આજરોજ રાજકોટ આપવાનો વાયદો કરેલ હોય,
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ સરોવર પોર્ટીકો હોટેલ, લીમડા ચોક, રાજકોટ શહેર ખાતે એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતા મહિલા સરપંચ અને તેમના પતિએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી સરપંચ વતી તેના પતિએ ફરીયાદી પાસેથી રૂા.દોઢ લાખની લાંચની રકમ સ્વીકારી ઝડપાઇ ગયા હતા, આ કાર્યવાહી મદદનીશ નિયામક એસીબી રાજકોટ એકમ એ.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.આઈ.રાજકોટ એસીબી મયુરધ્વજસિંહ સરવૈયા અને તેમની ટીમ દ્વારા સફળતાપુર્વક કરવામાં આવી હતી.