Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ માનવામાં આવતા દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખાના દરીયામાં સલાયાના શખ્સ દ્વારા અન્ય બોટના નંબર લગાવી, ખોટા નામની બોટનો ઉપયોગ કરી, બે માસ સુધી માછીમારી કરવા સબબ ઓખા મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ સમગ્ર પ્રકરણ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. વિભાગ એ.એસ.આઈ. દ્વારા ખંભાળિયા તાલુકાના સલાયા ગામે બારલો વાસ ખાતે રહેતા હારુન હુશેનભાઈ મામદભાઈ ભાયા નામના ઇસમ સામે ઓખા મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ આ ઇસમેં હારુને પૂર્વયોજિત કાવતરું રચી, ફૈઝાને મીરા સૈયદ અલી નામની આઈ.એન.ડી.- જી.જે.- એમ.એમ.- 2233 રજીસ્ટ્રેશન નંબરની માછીમારી બોટ પર ફૈઝાને શાહ બુખારીના રજી. નંબર જી.જે.- 37 એમ.એમ.- 1548 ના નામ નંબર લખી, તેનું પાટિયું લગાવી, ફિશરીઝ વિભાગના કર્મચારીઓ સાથે ઠગાઈ કરવાના ઈરાદાથી બોટની ખોટી માહિતી આપી, ફૈઝાને શાહ બુખારી બોટ માછીમારી બોટ ન હોવા છતાં પણ ખોટા નામની બોટનો ઉપયોગ કરી, બે માસ સુધી માછીમારી કરી કાયદાનું ઉલ્લંઘન કર્યું હોવાનું વધુમાં જાહેર થયું છે.આ પ્રકરણમાં ઓખા મરીન પોલીસે સલાયાના હારુન હુસેનભાઈ ભાયા તથા અન્ય સંડોવાયેલા મનાતા શખ્સો સાથે સામે આઈ.પી.સી. કલમ 465, 468, 471 તથા 120 (બી) મુજબ ગુનો નોંધાયા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.