Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના અંધેર તંત્ર સામે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સંઘોએ બાંયો ચડાવી આંદોલનના મંડાણ કરાતાં ભારે ચકચાર જાગી છે.જામનગરમાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લો 2013 થી અલગ થયો છે. તે પછી પણ ગ્રાન્ટેડ શાળાના તમામ કર્મચારીઓની જી.પી.એફ. ની રકમ જામનગરથી કપાઈને મોકલવામાં આવતી હતી. જેનું કારણ અહીં આ અંગેના ખાતા લાંબો સમય ખુલ્યા નહોતા.ગત્ નવેમ્બર તથા ડિસેમ્બર 2015 તેમજ જાન્યુઆરી 2016 ના ત્રણ માસના કુલ રૂપિયા 43 લાખથી વધુની રકમના ચેક દ્વારકામાંથી જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મોકલવામાં આવ્યા હતા. જે બેંકમાં જમા ન કરવામાં આવતા આ રકમ હજુ સુધી કર્મચારીઓના ખાતામાં જમા થઈ નથી. આ રકમના વ્યાજના રૂપિયા 17.64 લાખ ગણીને 60 લાખથી વધુ સુધી આ આંકડો પહોંચ્યો છે. આ રકમ મળ્યા વિના જ કેટલાક કર્મચારીઓ નિવૃત થઈ ગયા, તો કેટલાક કોરોનામાં મૃત્યુ પણ પામ્યા છે.
આ ગંભીર પ્રશ્ને શિક્ષણ મંડળ દ્વારા અગાઉ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપરાંત સાંસદ, જિલ્લા શિક્ષણ અધિકારી, કલેકટર તંત્રને રજૂઆતો કરવા છતાં આ અંગે હજી સુધી યોગ્ય કાર્યવાહી થઇ નથી. હાલની પરિસ્થિતિમાં ટ્રેઝરી કચેરી દ્વારા થતું ચૂકવવું ઈ-પેમેન્ટ મારફતે જ કરવામાં આવે છે અને હજુ પણ દ્વારકા જિલ્લાના જી.પી.એફ. ખાતા અલગ ખુલ્યા નથી કે સરકારના નાણાં વિભાગે ઉપરોક્ત રૂ. 60.85 લાખ ફાળવ્યા નથી.આ મુદ્દે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક સંઘોના દ્વારા આગામી દસ દિવસમાં આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આંદોલન તથા જરૂર પડ્યે કોર્ટમાં જવાની ચીમકી પણ સંબંધિત તંત્રને આપવામાં આવતા ભારે ચકચાર જાગી છે.