Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ઓખા નજીકના અરબી સમુદ્રમાં બે જહાજો વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે, ભારતનું એમવી માય એટલાન્ટિક ગ્રેસ અને ફિલિપાઈન્સના માય એવીએટર નામના જહાજ વચ્ચે ટક્કર થતા આપાતકાલીન મદદની જરૂર પડી હતી. જેને લઈને ભારતીય સુરક્ષા એજન્સીની ટીમ સમયસર પહોંચી બંને જહાજના મળી કુલ 43 ક્રુ મેમ્બરને બચાવી લીધા હતા. જેથી મોટી જાનહાનિ ટળી હતી. આ ઉપરાંત જહાજમાં રહેલા ઓઈલને કારણે જળ પ્રદુષણ ન ફેલાય તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઓખા નજીક અરબી સમુદ્રમાં બે શિપ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. શુક્રવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જોકે, ક્યા કારણોસર આ બન્ને જહાજ વચ્ચે અકસ્માત થયો તે જાણી શકાયું નથી. આ ઘટનાના પગલે બન્ને જહાજ દ્વારા ભારતીય સુરક્ષા એજન્સીની મદદ માંગવામાં આવી હતી. જેને પગલે ભારતીય કોસ્ટગાર્ડની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.ટીમે જહાજમાંથી 43 ક્રુ મેમ્બરને સુરક્ષીત બચાવી લીધા હતા. એમવી માય એટલાન્ટિક ગ્રેસ નામના જહાજમાં 21 ભારતીય ક્રુ મેમ્બર હતા. જ્યારે ફિલિપાઈન્સના માય એવીએટર જહાજમાં 22 ફિલિપાઈન્સના ક્રુ મેમ્બર સવાર હતા.આ અકસ્માત થતા બંને શિપમાંથી ઓઈલ રસાવ સમુદ્રમાં ન ભળે અને જળ પ્રદુષણ ન ફેલાય તે માટેના પ્રયાસ ભારતીય સુરક્ષા એજન્સી દ્વારા હાથ ધરવામાં આવ્યાં હતા.