Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જિલ્લાની ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને મળવાપાત્ર જી.પી.એફ.ના આશરે સાડા તેતાલીસ લાખ જેટલી રકમ હજુ સુધી જમા ન થતા આ મુદ્દે આચાર્ય સંઘ દ્વારા શિક્ષણ મંત્રીને ફરિયાદ કરવામાં આવી છે.જામનગરમાંથી વર્ષ 2013 માં દેવભૂમિ દ્વારકા જિલ્લો અલગ થઈ ચૂક્યો છે. આ પછી પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓના જીપીએફ ખાતા જામનગર હોવાના કારણે પ્રતિમાસ જી.પી.એફ.ની કપાત રકમ જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે અહીંના શિક્ષણ વિભાગ દ્વારા મોકલી આપવામાં આવતી હતી.આ બાદ નવેમ્બર 2015 થી પછીના ત્રણ માસની જી.પી.એફ.ની રૂપિયા 44.44 લાખ જેટલી તોતિંગ રકમ હાલ પાંચ વર્ષ પછી પણ કર્મચારીઓના ખાતામાં જમા ન થતા આ મુદ્દે દેવભૂમિ દ્વારકા જિલ્લા આચાર્ય સંઘના હોદ્દેદારો દ્વારા જિલ્લા સાંસદ તથા પ્રભારીમંત્રીને ફરિયાદ કરવામાં આવી છે.
છેલ્લા આશરે પાંચ વર્ષ કરતા વધુ સમયથી 43.44 લાખની આ તોતિંગ રકમ કર્મચારીઓના ખાતામાં જમા થઈ નથી. જામનગર કચેરીએથી જ્યાં સુધી આ રકમનો ચેક દ્વારકા શિક્ષણ કચેરી ખાતે ના આવે ત્યાં સુધી જી.પી.એફ.ના ચેક કાયમી નિવૃત્ત કર્મચારીના બંધ કર્યા છે. તો દ્વારકા કચેરીના જામનગર કચેરીએ ખોઈ નાખ્યા હોય, તેની ગ્રાન્ટ રાજ્યમાંથી માંગી છે તેમ જણાવાયું છે.જી.પી.એફ. એ કર્મચારી પોતાના પગારમાંથી કાપીને જમા કરાવેલી બચત છે. જેના પર સરકાર પ્રોત્સાહન રૂપે 8 ટકા વાર્ષિક વ્યાજ આપે છે. આ રકમ પાંચ વર્ષ કરતાં વધુ સમયથી જમા જ નથી થઈ. તેનું વ્યાજ રૂપિયા વીસ લાખથી વધુ થશે. તો આ રકમની જવાબદારી કોની?
પગારમાંથી બચત કરીને આ રકમ જમા કરતા કર્મચારીઓ પૈકી કેટલાક કર્મચારીઓ છેલ્લા બે વર્ષના સમયગાળામાં નિવૃત્ત થઈ ગયા છે. તો તેમને મળવાપાત્ર રકમનું શું..?? આટલા સમયના રૂ. વીસ લાખ જેટલા વ્યાજના વાર્ષિક આઠ ટકા લેખે પ્રતિવર્ષની ગણતરી મુજબ વધારાની રકમ આપવી પડે તો તેની જવાબદારી કોની રહેશે? તેવા પ્રશ્ન સાથે આચાર્ય સંઘના હોદ્દેદારો દ્વારા કર્મચારીઓને મળવાપાત્ર રકમ હજુ સુધી ખાતામાં જમા ન થતા આ મુદ્દો હવે ઉચ્ચ કક્ષા સુધી પહોંચ્યો છે.