Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ચાર ધામમાં થી એક તેમજ સાતમાળ નિજ અને લાડવા બે શિખર તેમજ 60 સ્થંભ 90 બાય 20 ની પ્લીન્થ 157 ફુટ ઉંચાઇ ધરાવતા અજોડ દ્વારકાના સુપ્રસિદ્ધ ચારસો વર્ષ પુરાતન જગતમંદિરનુ શિલ્પકામ રાજસ્થાની અને સોમપુરા શિલ્પીઓ કરશે કેમ કે પુરાતત્વ વિભાગે નવીનીકરણ પુનરોદ્ધાર કરવાનો નિર્ણય કર્યો છે, દ્વારકામાં આવેલા પૂરાણ પ્રસિધ્ધ દ્વારકાધીશ મંદિરના જર્જરિત-ર્જીણશીર્ણ થઇ ગયેલા અનેક ભાગોના પૂન:સંરક્ષણ માટે મંજૂરી મળી જતા પૂરાતત્વ સર્વેક્ષણની ટીમે દ્વારકા ખાતે સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે, દ્વારકાધીશ મંદિરને જમીન લેવલથી લઇને ટોપ લેવલ સુધીના જર્જરિત ભાગોનો પુન: સંરક્ષણ કાર્ય કરવાની લીલીઝંડી ભારતીય પૂરાતત્વ સર્વેક્ષણના મહાનિર્દેશક વિદ્યાવતી દ્વારા આપવામાં આવતા હિંદુ ધર્મના આસ્થાના પ્રતિકનું કાર્ય શરૂ કરવા માટે બરોડા સર્કલના આસી. સુપ્રિ. (આર્કોલોજીકલ એન્જિનીયર) એમ.એસ. શિવકુમારએ દ્વારકાના આર્કોલોજી વિભાગના એ.એસ.આઇ. શાહને સાથે લઇ અગાઉ મંદિરનું જાત નિરિક્ષણ કર્યુ હતું.
ભારતીય પૂરાતત્વના વર્તુળોના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં પૂરાતત્વ વિભાગના વડા તરીકે નિમાયેલા વિદ્યાપતિએ બરોડા સ્થિત પૂરાતત્વ વિભાગની કચેરીને દ્વારકાધીશ મંદિરના પુન: સંરક્ષણની દરખાસ્તને મંજૂરી આપી નિર્માણ કાર્ય શરૂ કરવાની ગતિવિધી શરૂ કરવા લેખિત સુચના આપી છે. આ સુચના પરથી બે દિવસમાં બરોડા ખાતેથી સર્વે માટેના એન્જિનીયરો દ્વારકા આવશે તેવું વર્તુળોએ જણાવ્યું છે અને દ્વારકાધીશ મંદિરની મુલાકાત લઇ ટેકનિકલ રીતે કેવી રીતે કાર્ય કરવું તેનો વિચાર વિમર્શ સ્થાનિક આર્કોલોજીના અધિકારીગણ સાથે કરશે. સદીઓ પૂર્વે ચુના તથા દ્વારકા આસપાસના સ્થાનિક પથ્થરો વડે નિર્માણ થયેલ દ્વારકાધીશ મંદિર ભગવાન શ્રીકૃષ્ણના પૌત્ર બ્રજનાથજીએ નિર્માણ કર્યાનું કહેવાય છે. સને 1987થી 1989 સુધી મંદિરના કેટલાક સ્તંભો, કમાનો તથા અન્ય વિવિધ ભાગોનું પુન:સંરક્ષણ કાર્ય કરાયું હતું. બાદમાં બીજા તબક્કામાં શરૂ થનાર હવેના કાર્ય માટે જરૂર પડયે મંદિરના કેટલાક ભાગો સીલ કરીને અને આંતરિક અવર-જવરના રસ્તા ફેરફાર કરવા જરૂરી યોગ્ય તેને લઇને પણ પુન: સંરક્ષણ કાર્ય થઇ શકતું ન હતું.
પરંતુ આ બાબતે દેવસ્થાન સમિતિ, શંકારાચાર્ય શ્રી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજ તથા પુજારીગણ સાથે વિધિવત ચર્ચા કરીને આર્કીયોલોજી ખાસ એકશન પ્લાન બનાવીને નિર્માણ કાર્ય શરૂ કરશે. ખાસ કરીને મંદિરના પાંચ માળ પૈકીના લાડવા દેરા, સભા મંડપ, નીજ મંદિર તથા મંદિરના પિલરો, કમાનો તથા ધ્વજાજી ચડાવવાના ભાગ સુધીનું પુન: નિર્માણ કાર્ય હાથ ધરાશે જેના માટે સ્થાનિક કારીગરો અને રાજસ્થાની સોમપુરાની પણ મદદ લેવાશે. અત્રે એ નોંધનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા અલભ્ય શિલ્પકલાના નમુનારૂપ મંદિરના સંપુર્ણ ભાગનું ડીજીટલ વીડીયોગ્રાફીથી પુન:સંરક્ષણ પૂર્વ સંગ્રહ કરી લેવામાં આવ્યું છે અને 1947-75માં આર્કીયોલોજી દ્વારા ઝીણવટભરી રીતે મંદિરના જમીનથી ટેપ લેવલ સુધીના નકશાઓ પણ બનાવી લેવામાં આવ્યા છે તેને ખાસ નજરઅંદાજ રાખીને જ નિર્માણકાર્ય હાથ ધરાશે. દ્વારકાધીશ મંદિરની સ્થિતિ હાલ ખુબ જીર્ણ છે અકસ્માતનો પણ ભય છે. દ્વારકાધીશ મંદિરની હાલની સ્ટ્રકચરની સ્થિતિ ર્જીણશીલ છે. મંદિરના ગ્રાઉન્ડ લેવલથી લઇને ત્રણ માસ સુધીમાં તો મંદિરના પીલરો એક બીજાથી તીરાડો પડી જતા અલગ પડી ગયા છે.
તેમજ ત્રણેય માળ ઉપરની કમાનોની ચાવી ગાળા છુટા પડી જતાં કમાનો પણ એકબીજા પથ્થરો સાથે જોડાયેલી હતી તેના પથ્થરો પણ અલગ થઇ જતા અકસ્માતનો મોટો ભય રહે છે. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણના કુળદેવી શ્રી શકિતમાતાજી મંદિરના ઘુમ્મટ તથા વિવિધ ભાગોમાં પણ તિરાડો જોવા મળે છે. આ મંદિર મુખ્ય મંદિરના ત્રીજા મજલે આવેલ છે. ઉપરાંત દ્વારકાધીશજીના ધ્વજાજી માટે મંદિરના શિખર પરના પાંચમા મજલા સુધી સીડીના પથ્થરો તો ચુનાના ભાગ ખવાઇ જવાથી ઠેર ઠેર સીડીના પગથિયા પણ ર્જીણશીલ થઇ ગયા છે. આ તમામ પુન: સરક્ષણ થશે. દ્વારકાધીશ મંદિરમાં શારદાપીઠ સંચાલિત તથા આર્કીયોલોજી હસ્તકના અન્ય મંદિરો જેવા કે બલરામજી, માધવરાયજી, પ્રધ્યુમનજી, કોલવા ભગત, કાશીવિશ્ર્વનાથજી, અંબાજી, પુરૂષોતમરાયજી, સત્યનારાયણ ભગવાન જેવા મંદિરો તથા મંદિર સુવર્ણદ્વાર, મોક્ષદ્વાર તથા છપ્પનસીડીના કેટલાક ભાગો સહિતનું પુન: સંરક્ષણ કાર્ય પુરૂ થયું છે. જેમાં સ્થાનિક કક્ષાએથી ભારતીય પુરાતત્વ વિભાગના એ.એસ.આઇ. શાહ તથા તેમની ટીમએ જહેમત ઉઠાવી છે.