Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દ્વારકા જિલ્લામાં સતત વિવાદોમાં રહેલી RSPL ઘડી કંપની વિરુદ્ધ કેટલાક ગ્રામજનોમા ભારે રોષ વ્યાપી ચુક્યો છે,ત્યારે આજે મોટા આસોટા, નાના આસોટા, જાકસીયા અને હાબરડી ગામના લોકોએ ઘડી કંપની વિરુદ્ધ કલેક્ટરને આવેદન પાઠવી સરકારી જમીન ફાળવવા મામલે વાંધાઓ રજુ કર્યા હતા, અને મામલતદાર પોલીસ સહિતનું તંત્ર જોહુકમી આચરી રહ્યાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે, વિવાદનો જાણે પર્યાય બની ગયેલી દ્વારકા તાલુકાના કુરંગા સ્થિત આવેલ વિશાળકાય RSPL ઘડી કંપની વિરુદ્ધ ખેડૂતોનો રોષ દિનપ્રતિદિન વધી રહ્યો છે, અને વિવાદ સમવાનું નામ નથી લેતો…પહેલા સ્થાનિક કુરંગા ગામના ખેડૂતો સાથે રાજમાર્ગ અને આંતરિક રસ્તા મામલે ઉગ્ર વિવાદો હજુ ચાલુ છે, ત્યાં કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા, નાના આસોટા, હાબરડી,જાકસીયા સહિતના 5 ગામના ગ્રામજનો આજે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો,
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઘડી કંપનીને મોટા આસોટા સહિતના દરિયા કિનારે 1148 હેક્ટર જમીન સરકાર દ્વારા મીઠાના અગર માટે ફાળવવામાં આવેલ છે અને કંપની દ્વારા પોતાના સોડા એશ પ્લાન્ટ માટે અહીં કંપની દ્વારા મીઠાના અગર શરૂ કરવાના હોય સરકાર દ્વારા 1148 હેક્ટર જેટલી વિશાળ જમીન સરકારે મોટા ગજાની કંપનીને આપી દેતા આસપાસના ગ્રામજનો રોષે ભરાયા છે, ગ્રામજનોનો વિરોધ એટલા માટે છે કે તેમની ફળદ્રુપ જમીન આ મીઠાના અગરના કારણે નાશ પામશે તેવી ભીતી ગ્રામજનો ખેડૂતો સેવી રહ્યા છે, હાલ દરિયા કિનારે આવેલા ચેરના જાડ અને ચેકડેમો દરિયાના ક્ષારને રોકી રાખે છે, જેના થી ખેડૂતો સારી મોસમ લઈ શકે છે જો આ જમીન કંપનીને ફાળવી દેવાશે તો મીઠાના અગરના કારણે દૂર દૂર સુધી જમીન માં ક્ષારનું પ્રમાણ વધવા લાગશે આશરે 8 હજાર વીઘા જમીનને પિયતનું પાણી પૂરું પાડતો ડેમ પણ આ મીઠાના કેમિકલયુક્ત અગરથી નાશ પામશે અને પશુ પ્રાણીઓ સહિત ખેડૂતોને વ્યાપક નુકસાન થશે અને ખેતીનો નાશ થશે એટલે ખેડૂતો આ જમીન મામલે કોઈપણ ભોગે ઉગ્ર રજુઆતો સહીત કરી કંપની સામે લડી લેવાના મૂડમાં છે,
જે વાંધાઓ રજુ કરવામાં આવ્યા છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આજ દિવસ સુધી કંપની દ્વારા જોહુકમી વાપરીને પબ્લિક સુનાવણી કર્યા વગર તમામ નિર્ણયો લે છે, અને ભોળા ગ્રામજનોને મામલતદાર અને કલ્યાણપુર પોલીસ ધમકીઓ આપે છે, અને પાંચ દિવસની અંદર નિર્ણય લઇ લેવા માટે દબાણ કરે છે, આમ પોતાના પ્લાન્ટ માટે આસપાસન ગ્રામજનોની જમીનનું નિકંદન કાઢવાની બાબતને લઈને હવે ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો લડતના મુડમાં આવી ગયા હોય તેમ લાગે છે.