Mysamachar.in-જામનગર:
દ્વારકા જિલ્લાના સલાયા બંદર ખાતે એસ્સાર કંપનીની પ્રાઇવેટ જેટી ઉપર કોલસાનું ગેરકાયદેસર પરિવહન કરવામાં આવે છે અને તેમાં સુરક્ષા, પ્રદુષણ, સામાજિક જવાબદારી વગેરે જાળવવાના નિયમોનું પાલન થતું નથી. તેવા આક્ષેપો નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલને કરવામાં આવેલ એક રજૂઆતમાં સ્થાનિક દ્વારા કરવામાં આવ્યા છે.આક્ષેપ છે કે આ જેટી એસ્સાર કંપની દ્વારા સરકારની મંજૂરીથી પ્રાઇવેટ ધોરણે ચલાવવામાં આવે છે અને તેના ઉપર કોલસાનું પરિવહન થાય છે. આ જેટી પર એસ્સાર અન્ય પ્રાઈવેટ કંપનીઓનો કોલસો પણ ઉતારે છે.વિશાળ માત્રામાં કોલસાનો આ રીતે પરિવહન થાય છે,
કોલસાને ખુલ્લી જગ્યામાં સ્ટોર કરવામાં આવે છે જેને લીધે આજુબાજુના વિસ્તારોમાં કોલસાની રજકણો ઉડે છે તેમજ તેને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવામાં પણ લોડીંગ અને અનલોડિંગ વખતે તેમજ પરિવહન દરમિયાન વાહન ઉપર તાલપત્રી ન બાંધવાને કારણે કોલસો હવામા તેમજ ખુલ્લી જગ્યામાં પડે છે જે આસપાસના લોકોના સ્વાસ્થ્ય તેમજ જમીન અને પાણી માટે નુકસાનકારક છે, આ ઉપરાંત જ્યારે દરિયામાં કોલસાની શીપ આવે છે ત્યારે જેટી ઉપર અનલોડિંગ કરતી વખતે અને ત્યારબાદ તેને સ્ટોરેજના સ્થળે લઈ જવામાં ખૂબ મોટી માત્રામાં કોલસો ઢોળાય છે અને પ્રદૂષણ ફેલાઈ રહ્યું હોવા છતાં પણ સ્થાનિક તંત્ર આંખ આડા કાન કરી રહી છે,
જેને લોકોના સ્વાસ્થ્ય તેમજ જમીન, હવા અને પાણીમાં થતા પ્રદૂષણના ફેલાવા અંગે તેમજ દરિયામાં ફેલાતા પ્રદૂષણ કે દરિયાઈ જીવ સૃષ્ટિને થતા નુકસાન અંગે કોઈ લેવાદેવા કે સંવેદના ન હોય તે જણાય છે. પ્રાઇવેટ કંપની પોતાનો નફો કેમ વધે અને ઓછા સમયમાં કેમ વધુ માલનું પરિવહન થાય કે ઉત્પાદન થાય તે બાબત જ વિચારે છે,
જામનગરના હાલમાં બંધ હાલતમાં રહેલ બેડી બંદર, નવા બંદર, રોઝી બંદર ખાતે ઉપરોક્ત કામગીરી જો ચાલુ કરવામાં આવે તો આ બંદરો ફરીથી ધમધમતા થશે અને માલના પરિવહનને કારણે અનેક લોકોને રોજગારીની તકો ઉભી થશે, તેમજ આ બંદરો સરકારના પ્રત્યક્ષ નિરીક્ષણમાં હોવાથી તમામ રીતે નિયમોનું પાલન થશે. જેથી કરીને ઉપરોક્ત ઉદભવતી મુશ્કેલીઓનું નિરાકરણ થશે.
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલને લખવામાં આવેલ પત્રમાં આ મામલે યોગ્ય તપાસ કરી જે તે કંપની, સ્થાનિક સરકારી કર્મચારીઓ, અધિકારીઓ સામે પગલાં લેવા પણ માંગ કરવામાં આવી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.