mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભુમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાતાલુકાના સલાયા સરકારી તાલુકા શાળામાં ફરજ બજાવતા શિક્ષકએ લાંચ આપીશ નહીં તેવો દાખલો બેસાડીને શિક્ષક પાસે કટકી માંગનાર ખંભાળિયા તાલુકા પંચાયતના નાયબ હિસાબનીશ અધિકારીને પાઠ ભણાવીને માત્ર ૫૦૦ રૂપિયાની લાંચના છટકામાં પકડાવી દીધા બાદ લાંચનો કેસ અદાલતમાં ચાલી જતાં હિસાબનીશ અધિકારીને સામે લાંચ માંગવાનો કેસ સાબીત થતા ૬ માસની સજા ફટકરવામાં આવી છે,
સલાયાના ગોઈંજ ગામે રહેતા અને સલાયા સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક રમેશ પરમારને વતનમાં જવા માટે રૂપિયાની જરૂર હોય,તત્કાલિન ખંભાળિયા તાલુકા પંચાયતના નાયબ હિસાબનીશ અધિકારી ગુણવંતરાય જેઠવાને પોતાના પગારની ગણતરી કરીને મળતા પગાર અને ઉચ્ચતર પગારના તફાવાત મુજબના નાણાં ચૂકવવા માટે બીલ મંજૂર કરવા ગણાવતા ગુણવંતરાયએ તે માટે વહીવટ વ્યવહાર કરવો પડે તેવું જણાવ્યુ હતુ,
નાયબ હિસાબનીશએ બીલ મંજૂર કરવા માટે પાંચ ટકા આપવા પડે તેવું શિક્ષકને કહીને ૯૦૦ માંગ્યા હતા અને ૪૦૦ રૂપિયા રોકડા તરત જ શિક્ષકે આપી દીધા બાદ બાકીના ૫૦૦ રૂપિયા આપવાનો વાયદો કરીને શિક્ષકએ સીધો જ જામનગર એસીબીનો સંપર્ક કરીને છટકું ગોઠવ્યુ હતું, કટકીબાજ નાયબ હિસાબનીશને ૧૦૦ રૂપિયાની પાંચ નોટો શિક્ષક પાસેથી લેતા રંગેહાથ એસીબીને ઝડપી લીધો હતો,
ખંભાળિયા અદાલતમાં ૧૮ વર્ષ બાદ લાંચનો આ કેસ ચાલી જતાં ખંભાળિયા તાલુકા પંચાયતના નાયબ હિસાબનીશ અધિકારી ગુણવંતરાય જેઠવાને ૬ માસની સજા ફટકારવાનો ચુકાદો લાંચિયા બાબુઓ માટે લાલબતીસમાન છે.