mysamachar.in-દેવભૂમિદ્વારકા
જામનગર જિલ્લાની દરિયાઈ જળ સીમામા સુરક્ષાના નામે છીંડા હોવાનું વધુ એક વખત સામે આવ્યું હોય તેમ ૧૯૯૩ માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટ નો વિસ્ફોટકનો જથ્થો પણ જામનગર જિલ્લા દરિયાઈ માર્ગ દ્વારા આવ્યા બાદ મોટાપાયે હેરોઇન ડ્રગ્સનો જથ્થો ઘૂસાડીને વિવિધ રાજ્યો માં સપ્લાય પણ કરી દેવામાં આવ્યો હોવાનું ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે,
ગુજરાત એ.ટી.એસ એ જામસલાયામાં ગુપ્તરાહે ઓપરેશન પાર પાડીને અઝીઝ અને રફીક નાના શખ્સોને ઝડપી લઈને ૧૫ કરોડનો હેરોઇનનો જથ્થો જપ્ત કરી બંને આરોપીના રીમાન્ડ દરમ્યાન ચોંકાવનારી વિગતો ઓકાવ્યા બાદ હાલ જેલ હવાલે કરાયા છે,મળતી વિગત મુજબ પાકિસ્તાનથી ભારતીય જળસીમામાં અને ખાસ કરીને સલાયાથી દરિયામાં ૯૦ નોટિકલ માઈલના અંતરે બોટ મારફત હેરોઈન (ડ્રગ્સ) ની હેરાફેરી કરીને અત્યાર સુધીમાં ૯૦૦ કરોડનો જથ્થો ઘૂસાડવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે અને આશરે ૩૦૦ કિલોનો હેરોઈન જથ્થો ઘૂસાડ્યા બાદ ગુજરાતમાં હાઇવે માર્ગ નો ઉપયોગ કરીને દિલ્હી,પંજાબ,જમ્મુ-કાશ્મીર સુધી હેરોઇન પહોંચાડવામાં આવ્યું હોવાનું તપાસ દરમિયાન સામે આવતા વધુ શખ્સોના નામ ખુલ્યા છે,અને હેરોઈન પ્રકરણના તાર મહેસાણાના ઉંજા માર્કટીંગ યાર્ડમાં પંજાબ થી આવતા ટ્રકો નો ઉપયોગ થયો હોય તે દિશામાં એ.ટી.એસ.દ્વારા તપાસ હાથ ધરાઈ છે
આમ પાકિસ્તાનથી ભારતીય જળ સીમમાં અગાઉ R.D.X નો જથ્થો ઘુસાડીને ગુજરાતની જળસીમા નો ઉપયોગ કરી મુંબઈ બૉમ્બ બ્લાસ્ટ જેવું અતિ જઘન્ય આતંકવાદી કૃત્ય થયા બાદ ફરી એકવખત ગુજરાતની જળસીમાનો ઉપયોગ કરીને ભારતમાં નશાના કાળા કારોબાર માટે મોટાપાયે હેરોઇન ઘુસાડવાની ચોંકાવનારી હકીકતો એટીએસ એ ઝડપાયેલા આરોપીઓની રિમાન્ડ દરમ્યાન સામે આવતા સનસનાટી મચી જવા પામી છે.