Mysamachar.in-જામનગર:
જામનગર રાજકોટ હાઇવે પર જામનગર નજીક આવેલ અને તાજેતરમાં રામસર સાઇટ જાહેર થયેલ વિશ્વ વિખ્યાત પક્ષી અભ્યારણ્યમાં પક્ષી ગણતરી હાથ ધરવામાં આવેલ આ પક્ષી ગણતરીમાં ખીજડીયા અભ્યારણ્યના આરએફઓ દક્ષાબેન વઘાસીયા, જોડીયા રેન્જ આરએફઓ વાય.એમ.જાડેજા,ખંભાલીયા આરએફઓ જી.કે.ડાંગર અને મરીન નેશનલ પાર્કના સોશ્યલ સાયન્ટીસ્ટના સીધા માર્ગદર્શન હેઠળ પક્ષીવિદો અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરો તેમજ પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓના સદસ્યો અને વન-મરીન વિભાગના કર્મચારીઓની 11 જેટલી ટીમો દ્વારા ખીજડીયાના 12 ચો.કી.મી. ના વિસ્તારમાં બેદિવસીય પક્ષી ગણતરી હાથ ધરવામાં આવેલ.
પક્ષીઓના સ્વર્ગસમા આ અભ્યારણ્ય અને તેની આસપાસના વિસ્તારોમાં દેશ-વિદેશથી શિયાળો ગાળવા અંહી આવતા પેલીકન,કુંજ,ગાજ હંસ, રોઝી સ્ટારલીંગ, અનેક પ્રજાતિની બતકો તેમજ કાળી ડોક ઢોંક, પીળી ડોક ઢોંક,સુરખાબ, ટીલીયાળી બતક,ભગતડા, નાની ડુબકી,મોટી ડુબકી બતક તેમજ કોરમોરન્ટ ની મોટી વસાહત,માછીમાર, સહિતના 150 થી વધુ પ્રજાતિના પક્ષીઓ નાની-મોટી સંખ્યામાં નોંધાયા હતા. પક્ષીઓના સ્વર્ગ સમું આ અભ્યારણ્ય શિયાળામાં ચારેતરફ પક્ષીઓના સુમધુર અવાજો થી ગુંજી રહયું છે. હાલમાં શાળાના બાળકોના નેચર સ્ટડી કેમ્પ પણ કાર્યરત છે.