Mysamachar.in-જામનગર:
સ્વચ્છતા હી સેવા- આ ટેગ હેઠળ ઘણું ચાલે છે, ઘણાં ફોટોસેશન થઈ રહ્યા છે, અને જે કચરો એકત્ર થઇ રહ્યો છે-તે કેટલાં ટન છે, તેનાં આંકડાઓ પણ જાહેર થઈ રહ્યા હોય, નગરજનો તંત્રની મશ્કરી કરી રહ્યા છે. છતાં આ બધું યાંત્રિક રીતે ચાલ્યા રાખે છે અને ડાહી ડાહી વાતો પણ થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, બસ ડેપો અને રેલ્વે સ્ટેશન એવા સ્થળ છે, જેનાં સંચાલકો પાસે પોતાનું સફાઈ તંત્ર હોય છે, સફાઈ કામદારો હોય છે, ખાનગી કોન્ટ્રાક્ટરને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય છે. ત્યાં સફાઈની જવાબદારીઓ આ એજન્સીએ નિભાવવાની હોય છે, આવા સ્થળોએ કોર્પોરેશને શા માટે સફાઈ અભિયાન હાથ ધરવું પડે ?! ખાનગી કોન્ટ્રાક્ટર પોતાના કામદારો દ્વારા સફાઈ નથી કરાવતાં ?! દર વખતે આટલો બધો કચરો શા કારણથી એકત્ર થઈ જાય છે ?! ત્યાં કોન્ટ્રાક્ટરના માણસો નિયમિત સફાઈ નથી કરતાં ?!
વારંવાર જામનગરના ભંગાર જેવા ડેપો સંકુલમાં શરાબની ખાલી બોટલો અને કોથળીઓ શા માટે મળી આવે છે ?! ખાનગી એજન્સી સફાઈની કામગીરીઓ યોગ્ય રીતે કરે છે કે કેમ ? એ જોવાની જવાબદારીઓ એસટી વિભાગમાં કોની છે ?! આ સ્થિતિ હોવા છતાં આ કોન્ટ્રાક્ટરના બિલો ધડાધડ મંજૂર કોણ કરે છે ?! શા માટે બિલો મંજૂર થઈ રહ્યા છે ?!
એસટીના સ્થાનિક સત્તાવાળાઓ વારંવાર સફાઈ કાર્યક્રમો યોજી રહ્યા છે પરંતુ ડેપોની જર્જરીત હાલત અંગે મૌન છે, ડેપો નવો બનાવવા અંગે ST નિગમની વડી કચેરીમાં કોઈ કાર્યવાહીઓ કે વિચારણાઓ ચાલી રહી છે કે કેમ ? વગેરે બાબતો અંગે એસટી સતાવાળાઓ કયારેય, કશું બોલતાં નથી.