Mysamachar.in-જામનગર:
જમાનો નકલીનો છે અને બજારમાં ગળાકાપ હરિફાઈઓ ચાલી રહી છે, જેને કારણે લોકોના આંતરડામાં નુકસાનકારક ખાદ્ય પદાર્થ ઠલવાઈ રહ્યા છે, આ વિષય ગંભીર અને ચિંતાપ્રેરક છે. લસણ પણ નકલી એટલે કે, ચાઈનીઝ આવે છે, નકલી અને પ્લાસ્ટીકના ચોખા માફક !! જામનગરની બજારોથી માંડીને છેક અમેરિકાના ન્યુયોર્ક સુધીની બજારોમાં આ લસણ ઠલવાઈ રહ્યું છે અને ધૂમ વેચાણ થઈ રહ્યું છે, અને એટલે અમેરિકન સેનેટરે ત્યાંની સરકારને પત્ર લખ્યો અને માંગ કરી કે, ચીનથી લસણની આયાત બંધ કરવામાં આવે, આ મામલો રાષ્ટ્રીય સુરક્ષાનો છે અને લોકોના આરોગ્યનો છે.
નવાઈની વાત એ છે કે, જામનગર સહિત દેશભરમાં આ નકલી લસણ મોટાં પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. આ લસણ આપણાં લસણ કરતાં વધુ સફેદ હોય છે, તેમાં આપણાં લસણ જેવી વાસ નથી હોતી અને સરખામણીએ સસ્તું હોય છે. આ નકલી લસણ આરોગ્ય માટે ખતરનાક છે, તે ગંદા પાણીથી ઉગાડવામાં આવે છે અને વધુ સફેદ બનાવવા તેમાં મેટલ પાવડરનો ઉપયોગ થતો હોય છે. સમગ્ર વિશ્વમાં લસણનું સૌથી મોટું નિકાસકાર ચીન છે.
જામનગરની વાત કરીએ તો, અગાઉ એક ખેડૂત આ નકલી લસણ જાહેર હરાજીમાં વેચાણ કરવા માર્કેટ યાર્ડ ખાતે પણ લાવેલો, જો કે ચકોર વેપારીઓએ આ લસણની યાર્ડમાં હરાજી થવા દીધી ન હતી અને પછી યાર્ડ સત્તાવાળાઓએ આ લસણ પરત લઈ જવા ખેડૂતને ફરજ પાડી હતી. જો કે આવું લસણ જામનગરની બજારોમાં મળે જ છે, લોકો ખરીદીને ખાય પણ છે. હોટેલના ધંધાર્થીઓ પણ આ લસણ મોટાં પ્રમાણમાં ઉપયોગમાં લેતાં હોવાનું પણ બહાર આવ્યું છે.
અમેરિકન યુનિવર્સિટીએ તો આ લસણ શું નુકસાન કરી શકે, તે જાણવા સંશોધન પણ શરૂ કરી દીધું છે, ઘણાં અમેરિકન લોકો પણ આ લસણ ખરીદવાનું ટાળે છે. આપણે ત્યાં આ લસણ વિરુદ્ધ હજુ લોક જાગૃતિ જોવા મળતી નથી.