Mysamachar.in-જામનગર:
જયાં ત્યાં થૂંકવું એ ગંદકીને ઉતેજન આપનારી બાબત છે ઉપરાંત આરોગ્યની દ્રષ્ટિએ પણ આ કુટેવ નુકસાનકારક હોવા ઉપરાંત અસભ્યતા પણ છે. જેનાથી શહેરની સ્વચ્છતાને પણ નુકસાન પહોંચે છે, નગરજનોએ આ કુટેવ ત્યજવી જોઈએ અથવા નગરજનોને આ કુટેવથી બચાવવા કોર્પોરેશને એક અલગ પ્રકારનું સ્વચ્છતા અભિયાન આદરવું જોઈએ એવો મત પણ ઘણાં બધાં લોકો ધરાવે છે.
કાઠિયાવાડમાં ખાસ કરીને જામનગર સહિતના કેટલાંક શહેરોમાં જ્યાં ત્યાં થૂંકવાની આદત ઘણાં લોકોમાં જોવા મળતી હોય છે. પાનના શોખીન જામનગરીઓ જ્યાં ત્યાં પાનની પિચકારીઓ લગાવતાં જોવા મળતાં હોય છે. ખાસ કરીને જાહેર માર્ગ પર ચાલતી વખતે, વાહન ચલાવતી વખતે તથા ખાણીપીણીના સ્થળો આસપાસ તેમજ વેપારી ઈમારતો અને સરકારી કચેરીઓની દિવાલો પર આ થૂંક પ્રવૃતિઓ જોવા મળતી હોય છે. જે કોઈ પણ અર્થમાં યોગ્ય બાબત નથી.
શહેરની સ્વચ્છતા જાળવવા જે કાંઈ પ્રયાસો થઈ રહ્યા હોય તેમાં નગરજનો પણ, જાહેરમાં થૂંકવાની કુટેવથી બચીને સહયોગ આપી શકે. જાહેરમાં થૂંકવું સભ્ય સમાજનું લક્ષણ નથી. આરોગ્યની દ્રષ્ટિએ પણ જાહેરમાં થૂંકવું અયોગ્ય વર્તન છે. ઘણાં લોકો વિવિધ પ્રકારના ચેપી રોગ પણ ધરાવતાં હોય છે, આ પ્રકારના લોકોની થૂંક અન્ય લોકોને રોગની ભેટ આપી શકે છે.
સ્વચ્છતાની દ્રષ્ટિએ પણ જાહેરમાં થૂંકવું એક પ્રકારની કુટેવ છે. તેનાથી શહેરની સુંદરતામાં ઓટ આવે છે અને ગંદકીમાં વધારો થતો હોય છે. રાજકોટ અને અમદાવાદ સહિતના શહેરોમાં CCTV ના આઈ-વે પ્રોજેકટ હેઠળ કેમેરાઓની મદદથી, આ પ્રકારના જાહેરમાં થૂંકતા લોકો અને વાહનચાલકો વિરુદ્ધ કેસ દાખલ થાય છે, આ વાહનચાલકોને ઈ-મેમો મોકલવામાં આવે છે અને દંડ પણ વસૂલ કરવામાં આવે છે.
રાજકોટનો આંકડો કહે છે, ચાલુ વાહને થૂંકવાના કેસોમાં પાછલાં છ વર્ષ દરમિયાન રાજકોટના નાગરિકોએ દંડ પેટે રૂ. 23 લાખ ચૂકવ્ય છે. હવે તો એવી સિસ્ટમ દાખલ થવામાં છે કે, આ પ્રકારના વાહનચાલકો વિરુદ્ધ થૂંકવા ઉપરાંત વાહનસંબંધી નિયમભંગોના કેસો પણ કરવામાં આવે અને આ વાહનચાલકો પાસેથી આ દંડ પણ સાથેસાથે વસૂલ કરવામાં આવે.
જામનગર શહેરમાં પણ સ્વચ્છતા હી સેવા અંતર્ગત જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ લાદવાનો સમય આવી ચૂક્યો છે, CCTV કેમેરાની મદદથી કંટ્રોલરુમમાંથી આ પ્રકારના વાહનચાલકો પર નજર રાખી શકાય. અને ઈ-મેમા મોકલી દંડ પણ વસૂલી શકાય. શરૂઆતમાં થોડો સમય આ મુદ્દે લોકોને પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા જાગૃત અને શિક્ષિત કરી શકાય તથા નિયત સમય અવધિ બાદ કેસ તથા દંડ વસૂલાત કામગીરીઓ શરૂ કરી શકાય.
આ અભિયાન સમગ્ર શહેર માટે એક સારી દિશાનું પગલું પૂરવાર થઈ શકે. આ ઉપરાંત કોર્પોરેશને પણ સ્વચ્છતા બાબતે હજુ વધુ જાગૃત થવાની અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને ખરાં અર્થમાં કાર્યક્ષમ બનાવવાની આવશ્યકતા છે એ પણ ધ્યાન રહે. કેમ કે, શહેરના ઘણાં મુખ્ય અને આંતરિક રસ્તાઓ પર અને વિવિધ વિસ્તારોમાં આજની તારીખે યોગ્ય સ્વચ્છતા જાળવવા બાબતે કોર્પોરેશનનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ઉણો ઉતરી રહ્યો છે એ પણ હકીકત છે.પદાધિકારીઓ તથા અધિકારીઓએ આ વિભાગ પર બારીક નજર રાખવી આવશ્યક છે.