Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકા કાયમ માટે અધિકારીઓ અને કર્મચારીઓની અછત અનુભવતી સંસ્થા છે. જેને લઈને આ સંસ્થાએ ઘણાં બધાં કિસ્સાઓમાં ઘણાં બધાં અધિકારીઓ અને કર્મચારીઓને વયનિવૃતિ પછી ફરીથી નિયુક્તિઓ આપવી પડે છે. આ પ્રકારની નિયુક્તિઓ સંસ્થાની લગભગ બધી જ શાખાઓમાં જોવા મળે છે. ખુદ કમિશનરના કાર્યાલયમાં તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના સેક્રેટરી સહિતના સંખ્યાબંધ અધિકારીઓ અને કર્મચારીઓને પુનઃનિયુક્તિઓ આપવી પડે છે. અને એમાંયે સંવેદનશીલ મુદ્દો એ છે કે, આ પ્રકારની પુનઃનિયુક્તિઓ વખતે કોર્પોરેશનના સંબંધિત વિભાગો નિયમોને બાજુ પર મૂકી દે છે અને મનમાની રીતે જ બધું ચાલતું રહે છે. આખરે આ મામલો હવે સમાચાર બન્યો છે, કેમ કે ઓડિટમાં વાંધાઓ નીકળી પડ્યા છે. અને સંબંધિતો પાસેથી નાણાંની રિકવરી એટલે કે અંગત વસૂલાતના હુકમો છૂટયા છે.
સરકારનો એક સ્પષ્ટ નિયમ એવો છે કે, નિવૃત અધિકારી કે કર્મચારીને ફરીથી કામ પર રાખતી વખતે, સરકારની પૂર્વ મંજૂરી લેવી બધાં જ કિસ્સાઓમાં ફરજિયાત છે, મંજુરી સિવાય પુનઃ નિયુક્તિ થઇ શકે નહિ, આમ છતાં જામનગર મહાનગરપાલિકામાં આ નિયમનો ભંગ હમણાંથી નહિ કેટલાય વર્ષોથી કરવામાં આવે છે. વગે વાવણાં થાય છે અને લાગતાં વળગતાંઓને સાચવી લેવામાં આવે છે અને કરદાતાઓની તિજોરીમાંથી વેતન ચૂકવ્યે રાખવામાં આવે છે ! કોના બાપની દીવાળી, એ કહેવત અનુસાર. આ પ્રકારના બેચાર નહીં, પૂરાં 28 કેસ ઓડિટ વિભાગના ધ્યાન પર આવ્યા. એ પણ કોર્પોરેશનનો ઓડિટ વિભાગ તો કશું બોલ્યો જ નહીં, રાજય સરકારના ઓડિટ વિભાગ લોકલ ફંડ ઓફિસએ કોર્પોરેશનનું ધ્યાન દોરવું પડયું. ત્યાં સુધી કોર્પોરેશનમાં લાલિયાવાડી ચાલતી રહી!
જામનગરની લોકલ ફંડ ઓડિટ ઓફિસના ઓડિટ ઓફિસરે જાહેર કર્યું છે કે, કોર્પોરેશનના 8 કર્મચારીઓની પુનઃનિયુક્તિઓ અંગેનું રેકર્ડ ચકાસવામાં આવ્યું છે. તથા અન્ય 19 કર્મચારીઓની વિગતો ચૂકવેલ પગારો પરથી ધ્યાનમાં આવી છે. ઓડિટમાં જણાયું છે કે, સરકારની પૂર્વ મંજૂરી વિના જ આ તમામ નિયુક્તિઓ કરવામાં આવી છે. આ માટેના જવાબો સંબંધિત કર્મચારીઓ પાસેથી મેળવવામાં આવ્યા છે. વધુમાં એમ પણ કહેવાયું છે કે, છેલ્લા બે વર્ષની ખાતાકીય તપાસ અંગેની વિગતો ઓડિટ વિભાગ સમક્ષ રજૂ કરવામાં આવી નથી. પૂરતું રેકર્ડ ઓડિટ વિભાગને આપવામાં આવ્યું ન હોય, રેકર્ડની યોગ્ય ચકાસણીઓ હજૂ પણ થઈ શકી નથી. આથી આ તમામ 27 કર્મચારીઓને કોર્પોરેશન દ્વારા ચૂકવવામાં આવેલી કુલ રકમ રૂ. 30,54,406 હાલ વાંધા હેઠળ મૂકવામાં આવી છે જેની ભવિષ્યમાં અંગત વસૂલાત પણ થઈ શકે.
આ 27 કર્મચારીઓના નામો આ પ્રમાણે છે: પી.આર.પરમાર, એચ.વી.શ્રીમાળી, એન.બી.શાહ, જે.કે.સંઘાણી, આર.જે.ચૌહાણ, આઈ.કે.ધાણીદાર, બી.જે.પોબારુ, એસ.ઝાલા, એન.જી.માખોડિયા, વી.ડી.ચોવટીયા, જી.કે.પરમાર, એમ.આર.સોલંકી, એન.આર.સોલંકી, એચ.કે.મહેતા, બી.વી.વઢવાણા, આર.એન.ચૌહાણ, કિશોર પુંજાણી, એ.જી.ગોહિલ, એન.ડી.ગોસાઈ, એચ.ડી.હાથિયા, કે.ડી.રાઠોડ, ડી.એસ.મકવાણા, આર.બી.જાડેજા, પી.એચ.સમા, ડી.એમ.ગોહિલ, બી.સી.પરમાર અને એમ.એ.ગોસાઈ
આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના સેક્રેટરી અશોક બી.પરમારના કેસમાં પણ લોકલ ફંડ ઓડિટની રાજકોટ કચેરીએ વાંધો ઉઠાવ્યો છે અને તેઓને ચૂકવવામાં આવેલી રૂ. 6,84,651ની રકમ વાંધા હેઠળ મૂકી દીધી હોવાનું સૂત્ર જણાવે છે. આ કર્મચારી નેતાઓના પ્રીતિપાત્ર હોવાથી તેઓની પુનઃનિયુક્તિમાં પણ ખામીઓ બહાર આવી છે. તેઓની પુનઃનિયુક્તિમાં પણ સરકારના નિયમોનો છડેચોક ભંગ કરવામાં આવ્યો હોવાનું લોકલ ફંડ ઓડિટ વિભાગના પેરામાં જોવા મળે છે.તેઓના કેસમાં છેલ્લા 10 વર્ષના ખાનગી અહેવાલ અને છેલ્લા બે વર્ષની ખાતાકીય તપાસની વિગતો રજૂ થઈ ન હોવાનું જાણવા મળે છે. તેઓને ડેપ્યુુટી સેક્રેેટરી તરીકે નિયુક્તિ આપવાને બદલે સેક્રેટરી તરીકે પુનઃનિયુક્તિ આપવાના મુદ્દે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે.
આ કર્મચારીની નિમણૂંકના હુકમમાં ઠરાવ મુજબ જે 14 શરતો દર્શાવવી પડે તે પણ દર્શાવવામાં આવી નથી. તેઓને પ્રથમ વખત જયારે પુનઃનિયુક્તિ આપવામાં આવી તે અંગેની અરજી પણ કામની ફાઈલમાં સામેલ કરવામાં આવી નથી એવું પણ લોકલ ફંડ ઓડિટ વિભાગે કહ્યું છે. તેઓની પુનઃનિયુક્તિનો તાત્કાલિક અંત લાવવા પણ કહેવાયું છે. તેઓને વર્ષ 2020-21, 2021-22 તથા વર્ષ 2022-23 દરમિયાન ચૂકવવામાં આવેલી રૂપિયા પોણા સાત લાખથી વધુની રકમ હાલ વાંધા હેઠળ મૂકી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ બધી ખામીઓ લોકલ ફંડ ઓડિટ વિભાગની તપાસમાં જેતે સમયે બહાર આવેલી, ત્યાં સુધી જામનગર કોર્પોરેશનની ઓડિટ શાખા મૌન રહી આ ઉપરાંત લોકલ ફંડ ઓડિટ વિભાગ પણ હાલમાં આ સમગ્ર પ્રકરણમાં તથા પોતાની ફરજોમાં હોતી હૈ,ચલતી હૈ ની નીતિ અખત્યાર કરતો હોય એવું દેખાઈ રહ્યું છે. આ વિભાગના કેટલાંક કર્મચારીઓ જામનગર કોર્પોરેશનની ઓફિસમાં જ બેસે છે. તેઓ પણ કોર્પોરેશનના ઓડિટ વિભાગ માફક જ ગાડું ગબડાવતાં હોવાનું સૂત્ર જણાવે છે.
આ ઉપરાંત એવું પણ જાણમાં આવ્યું છે કે, કમિશનરના તત્કાલીન પી.એ. બિપીન પરમારના કેસમાં પણ પુનઃનિયુક્તિ સંદર્ભે આ પ્રકારની સ્થિતિ હોવાનું કહેવાય છે અને તેઓના કેસમાં પણ અમુક ચોક્કસ રકમ વાંધા હેઠળ મૂકવામાં આવી હોવાનું તથા તેઓની પુનઃનિયુક્તિમાં પણ નિયમોને તાક પર મૂકી દેવામાં આવ્યા હોવાનું સૂત્ર કહે છે.