Mysamachar.in:જામનગર
સમગ્ર રાજયની સાથેસાથે અને હવામાન વિભાગની આગાહી અનુસાર, જામનગર જિલ્લામાં પણ મેઘરાજા ધીમીધારે મહેર વરસાવી રહ્યા છે. ખાસ કરીને વરસાદની વધુ જરુરિયાતવાળા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો હોય, ગ્રામજનો અને ખેડૂત વર્ગ વધુ ખુશ છે. આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલા 24 કલાક દરમિયાન જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડયો છે. ખાસ કરીને ધ્રોલ, જોડિયા, જામનગર અને જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના વરસાદના આંકડાઓ થોડા મોટા છે બાકીના વિસ્તારોમાં એકદમ સામાન્ય વરસાદ છે. તેની સામે સારી બાબત એ રહી છે કે, વરસાદ ન પડયો હોય એવો એકેય વિસ્તાર નથી. બધાંને ટાઢક થઈ છે.
ધ્રોલ તાલુકાના લતીપરમાં લગભગ અઢી ઈંચ જેટલો અને જોડિયા તાલુકાના પીઠડમાં લગભગ સવા બે ઈંચ જેટલો, જિલ્લાનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જામનગર તાલુકાના મોટી ભલસાણમાં પોણા બે ઈંચ જેટલો તથા જામજોધપુર તાલુકાના સમાણામાં પણ પોણા બે ઈંચ આસપાસ વરસાદ નોંધાયો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના એકંદરે આંકડા જોઈએ તો, જામવંથલી તથા શેઠ વડાળામાં દોઢ ઇંચથી વધુ, જામવાડી, વાંસજાળીયા, પરડવા અને લાલપુરના હરિપરમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ પડયો છે. આ ઉપરાંત જિલ્લાના તમામ ગ્રામ્ય પંથકમાં પા ઈંચથી માંડીને સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
-તાલુકા મથકોનો છેલ્લા ચોવીસ કલાકનો વરસાદ
જામનગર જિલ્લામાં આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલાં 24 કલાક દરમિયાન વરસેલો વરસાદ: જામનગર આશરે સવા ઈંચ, જોડિયા પોણો ઇંચ, ધ્રોલ સવા ઈંચ જેટલો, કાલાવડમાં સવા બે ઈંચ જેટલો, લાલપુરમાં સવા અને જામજોધપુરમાં એક ઈંચ: આજે સવારે જિલ્લામાં ક્યાંય વરસાદ નથી.