Mysamachar.in:જામનગર
જામનગર સહિત રાજયમાં ઠેકઠેકાણે પવનચકકી કંપનીઓની મનમાનીની ચર્ચાઓ ઉઠતી રહે છે. તાજેતરમાં એમ કહેવાય છે કે, જામનગર પંથકમાં પણ આમ બન્યુ હતું. જો કે વનવિભાગે આ મુદે કડક વલણ અખત્યાર કર્યું છે. સૂત્રએ જણાવ્યું છે કે, થોડાં સમય અગાઉ વીજરખી મિયાત્રા પંથકમાં પવનચકકી કંપનીએ જામનગર વનવિભાગની એક અનામત જમીનમાંથી પોતાનો સરસામાન ગેરકાયદેસર રીતે વહન કરવાનું શરૂ કરી દીધું હતું. આ ઉપરાંત આ કંપનીને સ્થાનિક ગામલોકો સાથે પણ બબાલ ચાલતી હતી !
આ મુદે જામનગર વનવિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર.ડી.જાદવે Mysamachar.in સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, કંપનીએ કોઈ પણ પ્રકારની મંજૂરી વિના વનવિભાગની જમીનનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. તેથી આ જમીન પરથી કંપનીનાં વાહનો કે સામાનની હેરફેર પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, થોડા સમય પહેલાં કેબિનેટમંત્રી રાઘવજીભાઇ પટેલએ જિલ્લા વહીવટીતંત્ર તથા પોલીસ સહિતના વિભાગોને કહ્યું હતું કે, પવનચકકી કંપનીઓની કામગીરીમાં કયાંય ખોટું ન થવું જોઈએ. અને ખેડૂતોને કયાંય અન્યાય ન થાય તે જોવું જોઈએ તેવી ટકોર પણ કરી હતી.






