Mysamachar.in:જામનગર
જામનગરમાં જુદાંજુદાં ઉદ્યોગનગરોમાં થોડાથોડા સમયે ઔદ્યોગિક અકસ્માતો સર્જાતા રહેતાં હોય, હજારો કામદારોમાં ફફડાટની લાગણી જોવા મળી રહી છે. કેમ કે, ઔદ્યોગિક એકમોમાં કામ કરતાં આ કામદારોનાં સ્વાસ્થ્ય અને જિંદગીની સલામતી માટે જામનગરમાં ખાસ કોઈ ગંભીરતા જોવા મળતી નથી. ગુરૂવારે ઔદ્યોગિક અકસ્માતનો વધુ એક બનાવ નોંધાયો જેમાં બ્લાસ્ટને કારણે બે કામદારો ગંભીર રીતે દાઝી ગયા હોવાનું જાહેર થયું છે.
જામનગરમાં દરેડ જીઆઇડીસી ફેઝ-ટુ ખાતે રાજહંસ ઈમ્પેકસ નામની જાણીતી આયાતનિકાસકાર કંપનીનું બ્રાસ યુનિટ આવેલું છે. આ યુનીટમાં ગુરૂવારે બપોર બાદ એક ભયાનક બ્લાસ્ટ સર્જાયો હતો. જેમાં બે પરપ્રાંતીય કામદારો ખૂબ જ ગંભીર રીતે દાઝી જતાં બંનેને તાકીદની સારવાર માટે 108 મારફત જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ કામદારોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે.
રાજહંસ ઈમ્પેકસ કંપનીમાં ગુરૂવારે સાંજે ઉંચા તાપમાને ઓગાળેલા પિતળને કાસ્ટીંગ માટે બીબાંઓમાં ઢાળતી વખતે આ બ્લાસ્ટ થયાનું જાણવા મળ્યું છે. આ સમયે બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી હતી, જે કંપનીની ફાયર સિસ્ટમ દ્વારા બૂઝાવવામાં આવી હતી. જો કે બનાવની જાણ થતાં ફાયરશાખાની ટૂકડી પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જે બે પરપ્રાંતીય કામદારો આ ઘટનામાં દાઝી ગયા છે તેમનાં નામો શુભલાયસિંઘ અને હુકમસિંઘ જાહેર થયાં છે. જે બંનેની ઉંમર 30 વર્ષ આસપાસ હોવાનું જાણવા મળ્યું છે. સારવારમાં રહેલાં આ બે પૈકી એક કામદારની સ્થિતિ હાલ અતિ ગંભીર હોવાનું જાહેર થયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉદ્યોગનગરોમાં ખાસ કરીને દરેડ જીઆઇડીસી વિસ્તારમાં અકસ્માતનાં બનાવો વારંવાર બની રહ્યા છે જે દર્શાવે છે કે, ઉદ્યોગોમાં સલામતીનાં ધારાધોરણોનું એકમોના માલિકો દ્વારા ચુસ્ત પાલન કરવામાં નથી આવતું અને આ માટેનાં સરકારી વિભાગ ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ કચેરી દ્વારા ઔદ્યોગિક એકમોમાં સલામતીનાં ધારાધોરણોનું પાલન થાય છે કે કેમ ? તે અંગે કોઈ તકેદારી રાખવામાં આવતી નથી ! કામદારોની જિંદગીની સલામતી મુદ્દે આ સ્થિતિ ગંભીર લેખાવી શકાય. જામનગરની ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ કચેરીની કામગીરીની ઉચ્ચ કક્ષાએથી નિયમિત સમીક્ષા થવી જોઈએ એવો પણ જાણકારોનો મત છે.