Mysamachar.in:જામનગર
જામનગર શહેરમાં છકડારિક્ષાચાલકોનો ત્રાસ હજારો નગરજનો વેઠી રહ્યા છે પરંતુ કોઈ કારણસર ટ્રાફિક પોલીસ આ મુદ્દે નિષ્ક્રિય હોવાનું દેખાઈ રહ્યું છે. શહેરમાં ટાઉનહોલ, જીજી હોસ્પિટલ, એસટી ડેપો, આરામ હોટેલ નજીક ડીકેવી કોલેજ સામે મહિલા કોલેજ તરફનાં રોડ પાસે તેમજ ખોડિયાર કોલોની, દરબારગઢ અને ગોકુલનગર સહિતનાં વિસ્તારોમાં છકડારિક્ષાઓ બેફામ છે. આ વાહનોનાં ચાલકો પેસેન્જર શોધવા માટે જાહેર માર્ગો પર ટ્રાફિકને અવરોધરૂપ થાય તે રીતે પોતાના વાહનો ઉભાં રાખી દે છે, ઘણાં કિસ્સાઓમાં તેઓ પોતાનો છકડો અચાનક ઉભો રાખી દે છે જેને કારણે પાછળ આવતાં વાહનો અકસ્માતનો ભોગ બનતાં હોય છે.
છકડારિક્ષાઓના ચાલકો શહેરમાં બેફામપણે પોતાના વાહનો ચલાવતી વખતે ટ્રાફિક નિયમભંગ વારંવાર કરતાં હોય છે. વળાંક લેતાં પહેલાં ઈન્ડિકેટર આપવાને બદલે અચાનક તેઓ પોતાનો પગ વાહન બહાર કાઢી, અચાનક જ વળાંક લ્યે છે જેને કારણે પાછળ આવતાં વાહનો છકડારિક્ષાઓ સાથે અથડાઈ છે. નુકસાની અને ઇજાઓ પહોંચાડે એ પ્રકારના અકસ્માતો સર્જાતા રહે છે. ઘણાં કિસ્સાઓમાં આ કારણથી ઝઘડાઓ પણ થતાં હોય છે. આ ઉપરાંત સિટી બસ સ્ટોપ આસપાસ પણ છકડારિક્ષાઓનો બેફામ ત્રાસ જોવા મળતો હોય છે.
તાજેતરમાં રાજકોટ રેન્જ આઇજી જામનગર આવ્યા ત્યારે તેઓએ એક મહિનાની ટ્રાફિક ડ્રાઈવની વાત કરી હતી પરંતુ શહેરમાં છકડારિક્ષાઓનો ત્રાસ તેઓનાં ધ્યાન બહાર રહી ગયો હતો ! લોકો એમ પણ કહે છે કે, બે પૈડાંવાળા અને ચાર પૈડાંવાળા વાહનોને દંડતી ટ્રાફિક પોલીસ ત્રણ પૈડાંવાળા વાહનોને જોઈને આંખો શા માટે મીંચી જાય છે ? નગરજનો છકડારિક્ષાઓના ત્રાસથી કંટાળી ગયા છે છતાં ટ્રાફિક પોલીસ આ પ્રકારના વાહનો માટે ખાસ ડ્રાઈવ કેમ નથી યોજતી ?! એવો પ્રશ્ન નગરજનો પૂછી રહ્યા છે.