Mysamachar.in:જામનગર
પાછલાં ચોવીસ કલાકમાં જામનગર જિલ્લામાં ખાસ કરીને લાલપુર શહેર અને પંથકને બાદ કરતાં બહુ ઓછાં સ્થળોએથી વરસાદનાં વાવડ મળ્યા છે. લાલપુર શહેર અને પંથકમાં ચાર ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જામનગર જિલ્લામાં બુધવારે વરસાદી માહોલ ન હતો. મોટાભાગના વિસ્તારોમાં તડકો અથવા ઉઘાડ અને છૂટાછવાયા વિસ્તારોમાં વાદળોની દોડાદોડી જોવા મળી. આ સ્થિતિ વચ્ચે લાલપુર શહેર અને તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.
લાલપુર તાલુકામથકે બુધવારે બપોરે 12 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધીમાં, આઠ કલાકમાં ચાર ઈંચ જેટલો વરસાદ વરસી જતાં સમગ્ર પંથકમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રાંધણવો અને ઢાંઢર નદીમાં ફરીથી પાણીનાં તેજ પ્રવાહો જોવા મળ્યા હતાં. લાલપુર તાલુકાના હરિપર તથા મોટા ખડબામાં સાડા ત્રણ ઈંચ, પીપરટોડા, પડાણા અને મોડપરમાં બબ્બે ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જામનગર તાલુકાના મોટી ભલસાણમાં 1 ઈંચથી વધુ અને કાલાવડનાં ભલસાણ બેરાજામાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.