Mysamachar.in:જામનગર
જામનગરમાં કચરો હવે બરાબર ગંધાયો છે. ગંધારા કચરાની બદબૂ કોર્પોરેશનમાં તહેલકો મચાવી રહી છે. Mysamachar.in દ્વારા કચરાનાં પ્રોસેસિંગ પ્લાન્ટની સનસનીખેજ વિગતો એક પછી એક એપિસોડ તરીકે મૂકવામાં આવતાં, માત્ર કોર્પોરેશનમાં જ નહીં, શાસક અને વિપક્ષમાં પણ દોડધામ મચી ગઈ છે અને અધિકારીઓ તો ‘દિવાલ’ની આડશે સંતાઈ ગયા છે, કારણ કે Mysamachar.in નો પ્રત્યેક એપિસોડ તેઓ પર ધારદાર તલવારની માફક વીંઝાઈ રહ્યો છે. લોહીનાં ટશિયા ફૂટી નીકળ્યા છે. જ્યાં સુધી આ પ્રકરણમાં કસૂરવારોને આકરી સજા નહીં થાય ત્યાં સુધી અહીં ચમકતી તલવાર વાર કરતી જ રહેશે.
અત્યંત આધારભૂત સૂત્રોનાં જણાવ્યા અનુસાર, Mysamachar.in દ્વારા આ પ્રકરણમાં કરવામાં આવેલાં એક પછી એક વિસ્ફોટને કારણે સમગ્ર જામ્યુકોની દિવાલો ધણધણી ઉઠી છે. ખુદ કમિશનર ચોંકી ઉઠ્યા છે. તેઓએ અત્યંત ખાનગી રાહે સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ આદરી છે. તેઓની છાનબિન કોર્પોરેશનનાં સોલિડ વેસ્ટ વિભાગમાં તો ચાલી જ રહી છે ઉપરાંત તેઓ એ પણ જાણવા ઈચ્છે છે કે, આમાં અન્ય લાભાર્થીઓ પણ છે ?! કોણ કોણ છે ?! એ મુદ્દે પણ છાનબિન કરવામાં આવી રહી છે.
Mysamachar.in દ્વારા પ્રસારિત થયેલી આ શ્રેણીબદ્ધ વિગતો એટલી સચોટ પૂરવાર થઈ છે કે, આ કોન્ટ્રાક્ટર પાર્ટીને બ્લેકલિસ્ટ કરવા સુધીની માંગણીઓ તીવ્ર બની છે. પુરાવાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. અધિકારીઓની જોડી ફફડી રહી છે. આ બંને અધિકારીઓએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં સોલિડ પક્કડ ઉભી કરેલી, હવે બાજી તેઓનાં હાથમાંથી સરકી ગઈ છે. હવે પરિસ્થિતિ એ બની છે કે, કોન્ટ્રાક્ટરે બચવા માટે ઓછામાં ઓછાં દોઢ બે કરોડ રૂપિયા ઉદારતા વાપરીને ખર્ચી નાંખવા પડશે ! એવી રમૂજી ચર્ચા પણ કોર્પોરેશનમાં શરૂ થઈ છે. જો કે પછી પણ કોન્ટ્રાક્ટર બચી જશે કે કેમ ? તે ખાતરી હાલ કોઈ આપી શકે એમ નથી. કેમ કે, અત્યાર સુધીમાં Mysamachar.in દ્વારા બધું જ સ્પષ્ટ લખવામાં આવ્યું છે. સૂત્રો એમ પણ કહે છે કે, આ આખા ખેલમાં એક ખેલાડી કોન્ટ્રાક્ટર સાથે રહ્યો અને એક ખેલાડી કોન્ટ્રાક્ટરને ક્લચ કરતો રહ્યો ! બે બિલાડાઓએ એક કોરી ખાવાની ટેવવાળા ઉંદર (કોન્ટ્રાક્ટર) ને બરાબર દબોચ્યો છે !
-કચરામાંથી કંચન મેળવવું હવે અઘરૂં બની ગયું….
અત્યંત આધારભૂત સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, આ સમગ્ર ખેલમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનાં અધિકારીઓની જોડી ઉપરાંત શરૂઆતથી જ બે ખેલાડીઓ બાજી ગોઠવી રહ્યા છે. જે પૈકી એક ખેલાડી સતાની અત્યંત નજીક છે, જાણે કે ખુદ સતા ! અને બીજો બાહુબલી ખેલાડી, સતત સતાની સામે બાંયો ચડાવી રહ્યો હોવાનું જાહેરમાં દેખાઈ રહ્યું છે તે ખેલાડી શરૂઆતથી જ કોન્ટ્રાક્ટર સાથે છે ! અચરજની વાત એ છે કે, વિશ્વાસપાત્ર સૂત્રોનાં કહેવા પ્રમાણે, આ બંને ખેલાડીઓ જાહેરમાં ભલે પ્રતિસ્પર્ધી દેખાય, અંદરખાને આ ધંધામાં, આ પ્રકરણમાં, જિગરી દોસ્ત છે ! કાલે બુધવારે આ બંને દોસ્ત ‘હવે શું કરવું ?’ એ નક્કી કરવા સતત 32-33 મિનિટ સાથે બેઠાં, છેલ્લે ઉભાં થયાં ત્યારે તેઓએ એ નિર્ણય લીધો કે, પાણી નાક સુધી આવી ગયું છે. હવે શ્વાસ લેવો અઘરો છે. હવે ભેગું થાય એવું દેખાતું નથી ! ટૂંકમાં, મામલો અતિશય ગૂંચવાઈ ચૂક્યો છે. અને બીજી બાજુ આ પ્રકરણમાં કમિશનરનો આકરો નિર્ણય આવવાની પણ ઘડીઓ ગણાઇ રહી છે.