Mysamachar.in:જામનગર
લોકો એકમેક સાથેની વાતચીતમાં બોલતાં સંભળાય છે કે, સોનું બહુ મોંઘુ. આમાં પ્રસંગ કરવા કેમ ?! આ પ્રકારની વાતો માત્ર વારતાઓ જ છે. હકીકત એ છે કે, ગુજરાત ચિક્કાર સોનું ખરીદે છે. સોનાની તોતિંગ આયાત થતી જોવા મળી રહી છે ! લોકો શાકભાજીની માફક સોનું ખરીદી રહ્યા છે !સમગ્ર દેશમાં લોકોને કાળઝાળ મોંઘવારી નડી રહી છે. સોનાનાં ઉંચા ભાવ નડી રહ્યા છે. દેશભરમાં સોનીઓ કહી રહ્યા છે – ભારે મંદી. ડીમાન્ડમાં મોટો ઘટાડો. સમગ્ર દેશમાં સોનાની માંગમાં મોટો ઘટાડો. પરંતુ ગુજરાતમાં સ્થિતિ તદ્દન ઉલટી છે ! ગુજરાતમાં લોકો સોનું ચિક્કાર ખરીદે છે ! ભલે ગમે તેટલો ઉંચો ભાવ હોય ! આંકડાઓ આ વાતની સાક્ષી આપે છે ! (આ સોનું ખરીદે છે કોણ ?!)
જાન્યુઆરીથી માર્ચ દરમિયાન સોનાનાં ભાવો ઉંચા રહ્યા છતાં ગુજરાતમાં આ ત્રણ મહિના દરમિયાન સોનાની જબ્બર ખરીદી થઈ ! વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો રિપોર્ટ કહે છે : જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ભારતમાં સોનાની માંગમાં અંદાજે 17 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. આ જ સમયગાળા દરમિયાન ગુજરાતમાં સોનાની આયાતમાં 75 ટકાનો તોતિંગ વધારો નોંધાયો ! (પેન્સિલથી થતાં હિસાબો અલગ!) રિપોર્ટ કહે છે: જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ભારતમાં સોનાની માંગમાં 17 ટકાનો ઘટાડો થયો અને કુલ ડીમાન્ડ ઘટીને 112.5 મેટ્રિક ટન રહી. ગુજરાતમાં આ સમયગાળામાં સોનાની આયાત 14.69 મેટ્રિક ટન રહી. ગત્ વર્ષે આ આયાત 8.39 મેટ્રિક ટન રહી હતી. આયાતમાં લગભગ 75 ટકા જેટલો વધારો ! સોનાનાં બિઝનેસના નિષ્ણાત એનાલિસ્ટ કહે છે:ગુજરાતમાં સોનામાં લાવ લાવ માત્ર લગ્નોને કારણે નથી, ઇન્વેસ્ટમેન્ટ પણ જબ્બર થાય છે !
જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ગુજરાતમાં સંખ્યાબંધ લોકોએ જૂનાં દાગીનામાંથી નવા દાગીના બનાવ્યા એમ છતાં, નવા સોનાની પણ ધૂમ ખરીદી થઈ ! લોકોએ બિસ્કીટ અને કોઈન પણ મોટી સંખ્યામાં ખરીદ્યા હોવાનું બિઝનેસ ઓપરેટરો જણાવે છે. લોકો માને છે કે, ગોલ્ડમાં રોકાણ સલામત છે. જેમાં વિધાઉટ બિલની પણ સુલભ સેવા ઉપલબ્ધ હોય છે ! રિપોર્ટ કહે છે, સોનાનાં ઉંચા ભાવને કારણે દેશમાં સોનાની માંગમાં ઘટાડો થયો છે પરંતુ ગુજરાતમાં આ ભાવવધારો નડયો નથી. લોકોએ પીળી ધાતુની ખરીદી મોટાં પ્રમાણમાં કરી છે. 2022 નાં પ્રથમ ત્રણ માસમાં દેશમાં 94.2 ટન સોનાનાં દાગીના વેચાણ થયેલાં. 2023 માં પ્રથમ ત્રણ માસમાં આ વેચાણ 78 ટન રહ્યું.
-દરોડા એજન્સીઓ જામનગરમાં સોનીબજારમાં કે ચાંદીબજારમાં જતી નથી !! કેમ ?!
જામનગરનાં લોકોને યાદ નથી કે, જામનગરમાં સોનીબજારમાં કે ચાંદીબજારમાં ઈન્કમટેકસનો દરોડો છેલ્લે ક્યારે પડ્યો ?! અને સાથે-સાથે નવાઈની વાત એ પણ છે કે, ગુજરાત સહિત દેશભરમાં વર્ષોથી GSTનો કાયદો લાગુ પડી ગયો છે, આટલાં વર્ષોમાં ક્યારેય કોઈએ સાંભળ્યું નથી કે, ગુજરાત જીએસટી કે કેન્દ્રીય જીએસટીનાં અધિકારીઓ જામનગરમાં સોનીબજારમાં કે ચાંદીબજારમાં ગયા હોય !! કેમ ?! લોકો મજાકમાં કહે છે: જ્વેલર્સ લોબીએ દરોડા એજન્સીઓ સાથે MoU કરેલાં છે ! કેટલાંક લોકો વળી મજાકમાં એમ પણ કહે છે કે, જ્વેલરી શો રૂમ નજીક કાર પાર્કિંગ સમસ્યા હોય છે તેથી દરોડા એજન્સીઓનાં સાહેબો ગિરદીમાં જવાનું ટાળે છે ! જેને કારણે આ બિઝનેસમાં પેન્સિલનાં હિસાબો ચિક્કાર ચાલી રહ્યા છે !