Mysamachar.in:જામનગર
જામનગર જિલ્લા પંચાયતમાં શાસકપક્ષનું ઘર સળગ્યું છે ! કાલે શુક્રવારે જામનગર ગ્રામ્યનાં ધારાસભ્ય અને રાજ્યનાં કેબિનેટ મંત્રીએ જિલ્લા પંચાયતના સભાગૃહમાં બેઠક યોજી ‘સમીક્ષા’ કરી હતી. તેઓએ અધિકારીઓ અને પદાધિકારીઓને સંપીને કામ કરવાની શિખામણ આપતાં, જિલ્લા પંચાયતનો ઘરનો મામલો શેરીઓમાં પહોંચી ગયો !
જામનગર જિલ્લા પંચાયતમાં શાસકપક્ષનું ઘર સળગ્યું હોવાનું અને આમ તો ઘણાં સમયથી ધૂંધવાઈ રહ્યું હોવાનું – લગભગ સૌ જાણે છે ! પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે તો ડખ્ખા છે જ, સત્તાધારી પાંખમાં પણ તડાં છે ! એમ કહેવાય છે કે, કેટલાંક લોકો પારદર્શિતાની લડાઈ લડી રહ્યા છે અને કેટલાંક લોકો આ લડાઈને ભાગબટાઈની મારામારી માની રહ્યા છે ! રેકર્ડ પરની વાસ્તવિકતા એ છે કે, કાલે શુક્રવારે કેબિનેટ મંત્રીએ છેક જિલ્લા પંચાયત જવું પડ્યું હતું ! કેમ કે, સળગતું ઓલવવુ ફરજિયાત બની ગયું હતું ! સુજલામ સુફલામ્ યોજનાનાં ફળો કાયમ ચર્ચાનો વિષય રહ્યા છે. ખુદ મંત્રી મીડિયા સમક્ષ સ્વીકારી ચૂક્યા છે, ભૂતકાળમાં આ યોજના ચર્ચાની એરણે ચડી હતી. કાલે શુક્રવારે પણ મંત્રીએ કહ્યું, કોઈ પણ પ્રકારની ગેરરીતિઓ ચલાવી લેવામાં આવશે નહીં. તેઓએ ત્યાં સુધી કહ્યું કે, કોઈ કસૂરવાર ઠરશે અને ચમરબંધી હશે તો પણ ઠોસ કાર્યવાહી થશે.
સુજલામ સુફલામ્ જળસંચય યોજના ખૂબ સારી યોજના હોવાં છતાં તેનું અમલીકરણ દર વર્ષે બબાલ મચાવે છે ! બિલો બને તેની સરખામણીમાં કામ ઓછું થાય, તેને કારણે સૌ શંકાઓ કરી રહ્યા છે કે – ભાગબટાઈની બિમારી આ યોજનામાં પણ છે ! જળસંચય માટે ખોદાણ અને તેનું માપ, માટીનો વહીવટ વગેરે બાબતો કાયમ માફક આ વર્ષે પણ ચર્ચામાં છે ! જામનગર જિલ્લા પંચાયતમાં સભ્યો વચ્ચે તથા અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે પણ આ યોજના સંબંધે બધું બરાબર નથી, એ પ્રકારનો ધૂમાડો ઘણાં લોકોની આંખોમાં બળતરાં કરાવી રહ્યો છે !
કાલે શુક્રવારે, જિલ્લા પંચાયતમાં આ બબાલ મચી ત્યારે – સૌની યોજનાનાં અધિકારીએ એમ કહ્યું કે, સુજલામ સુફલામ્ યોજના અંગે જેને જયારે વિગતો જોઈતી હશે, આપવામાં આવશે. આ અધિકારીએ યાદ રાખવું ઘટે કે, વિગતો જાહેર કરવાની ચીજ છે, માંગવાની જણસ નથી. અને આમેય, જામનગરની ‘સૌની’ કચેરી કોઈની નથી, કારણ કે, આ કચેરીનાં નાનાંમોટાં કોઈ પણ અધિકારી ફોન રિસિવ કરવા ટેવાયેલા નથી !