Mysamachar.in:જામનગર
જામનગરમાં આગામી પહેલી મે એ રાજ્યનાં સ્થાપના દિનની રાજયકક્ષાની ઉજવણી ગુજરાત ગૌરવ દિવસ તરીકે કરવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સૌ તસવીરો ખેંચાવી રહ્યા છે અને પોતે બહુ ભગીરથ કાર્ય કરી રહ્યા છે તેનું ગૌરવ લઈ રહ્યા છે. જો કે, આ તૈયારીઓને કારણે સરકારી કચેરીઓમાં તથા કોર્પોરેશન વગેરે જગ્યાએ હજારો અરજદારોના કામો રખડી પડયા છે, એ એક મોટી આડઅસર પણ છે. સામાન્ય રીતે આ પ્રકારના મોટાં આયોજનમાં ક્યાંક, કોઈ ક્ષતિ અથવા ખામીઓ પણ રહી જતી હોય છે. ક્યારેક માનવીય નબળાઈઓને કારણે અથવા કયારેક અકસ્માતે દુર્ઘટનાઓ પણ બનતી હોય છે. જેમાં ક્ષતિઓ રહી જાય તો ખેલદિલીથી સ્વીકારી લેવાની હોય, ખામીઓ સુધારી લેવાની હોય. ખામીઓ પર ઢાંકપિછોડો ન કરવાનો હોય. કાલે ગુરુવારે રાત્રે જામનગરમાં આવા એક બનાવમાં તંત્ર દ્વારા ઢાંકપિછોડો થયો, જે ચર્ચાનો વિષય બન્યો.
વાત એમ બની કે, પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ગુજરાત ગૌરવ દિનની ઉજવણીનો મુખ્ય કાર્યક્રમ છે. તેથી ત્યાં તોતિંગ સ્ટેજ બનાવવા મહાકાય સ્ટ્રકચર ખડું કરવામાં આવી રહ્યું છે. કાલે ગુરુવારે રાત્રે દસેક વાગ્યા આસપાસ આ સ્ટ્રકચર ધડાકાભેર ફસડાઈ પડ્યું ! સ્ટ્રકચર ઉભું કરતી વખતે ઈજનેરી ખૂબીઓ નજરઅંદાજ કરવામાં આવી હોય શકે અથવા સુપરવિઝન કરનારાઓએ ગંભીરતા દાખવી નહીં હોય ! આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચતાં તેઓને તાકીદે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ તકે સવાલ એ છે કે, આ અકસ્માત ચાલુ કાર્યક્રમે સર્જાયો હોત તો ?! આ કલ્પના પણ થથરાવી મૂકે તેવી છે ! આ સ્થળે રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોનો મુખ્ય કાર્યક્રમ પહેલી મે એ આયોજિત કરવામાં આવ્યો છે. ધારો કે ત્યારે આવું બન્યું હોત તો ?! સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ અકસ્માત સર્જાયો પછી તંત્ર ઉઘાડાં પડી જતાં છોભીલા પડી ગયા હતાં. કાલે ગુરુવારે રાત્રે આ અકસ્માત સર્જાયો પછી, તમામ મીડિયાકર્મીઓ તસવીરો અને વીડિયો શૂટિંગ માટે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે એક પોલીસ અધિકારી સહિતના પોલીસ સ્ટાફે તંત્રોની આબરૂ બચાવવા, મીડિયાકર્મીઓને આ સ્થળે કવરેજ કરતાં રોકવાનો બાલિશ પ્રયાસ કર્યો હતો ! બનાવના સ્થળે તમામ લાઈટ બંધ કરી દેવામાં આવી હતી જેથી મીડિયાકર્મીઓ કવરેજ ન કરી શકે ! એટલું જ નહીં, મીડિયાકર્મીઓ આ ઘટનાનું કવરેજ ન કરી શકે તે માટે પોલીસ તથા વહીવટીતંત્રનાં દોઢહોશિયાર અધિકારીઓએ ઘટનાસ્થળે એક જેસીબી આડું ખડકી દઈ મીડિયાકર્મીઓની ફરજમાં રૂકાવટનો મૂર્ખામીભર્યો પ્રયાસ કર્યો હતો ! જો કે મીડિયાકર્મીઓએ સારાં શબ્દોમાં ઓરિજિનલ રંગ દેખાડતાં જ દોઢહોશિયાર અધિકારીઓએ પોતાની માયા સંકેલી લીધી અને મીડિયાકર્મીઓને કવરેજ માટે વ્યવસ્થા કરવી પડી હતી.
મોટાં આયોજન દરમિયાન આ પ્રકારની ઘટનાઓ સમયાંતરે બનતી હોય છે, જે સામાન્ય સંજોગોમાં માણસ માત્ર ભૂલને પાત્ર એ ન્યાયે માફી યોગ્ય પણ હોય છે. પરંતુ આ પ્રકારની ઘટનાઓનું કવરેજ કરતાં મીડિયાકર્મીઓને રોકવાનો બાલિશ પ્રયાસ કોઈ પણ સંજોગોમાં માફીપાત્ર ન લેખાય, એ બાબત તંત્રોએ કાયમ યાદ રાખવી જોઈએ. અને હવે પછી, આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે તંત્રોએ તકેદારીઓ રાખવી અપેક્ષિત છે.






