Mysamachar.in:જામનગર
વર્ષ-2022નાં અંતમાં RBIએ ગુજરાતની એકસાથે 17 અર્બન સહકારી બેન્કોને વિવિધ અનિયમિતતાઓને લઈને દંડનીય કાર્યવાહી કર્યા પછી, 2023નાં પ્રારંભે પણ વધુ બે સહકારી બેન્કો RBIનાં ધ્યાનમાં આવી છે, જ્યાં બધું જ બરાબર ન ચાલતું હોય. આ બે બેંક પૈકી એક બેંક જામનગરની હોવાનું જાણવા મળ્યું છે. RBIએ વડોદરાની છાણી સહકારી બેન્કને દંડનીય નોટિસ આપી છે. આ ઉપરાંત જામનગરની એક સહકારી બેન્કને પણ આવી નોટિસ ફટકારી છે. આ બેન્કનું નામ જામનગર પીપલ્સ કો-ઓપરેટિવ બેન્ક છે.
જામનગરમાં જેપી બેન્કના ટૂંકા નામે ઓળખાતી અને ગ્રેન માર્કેટમાં આવેલી આ બેન્ક જામનગરની જૂની અને જાણીતી સહકારી બેન્કો પૈકીની એક છે. જો કે, તેનું સંચાલન ક્યારેય ઉડીને આંખે વળગે એવું રહ્યું નથી પરંતુ એ એક અલગ મુદ્દો છે. રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, જામનગરની આ જેપી બેંક દ્વારા એસેટનું કલાસીફિકેશન યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી. અમુક NPA એન્ટ્રી યોગ્ય ન હોવાનું પણ જાણવા મળે છે.
આ ઉપરાંત બેન્કની આવક સંદર્ભે જે વિગતો, જે રીતે જાહેર કરવાની હોય છે તેમાં રિઝર્વ બેન્કને કશુંક અયોગ્ય દેખાયું છે. આ ઉપરાંત લોન્સ અને એડવાન્સ સંબંધિત જોગવાઈઓ અને શરતો સંબંધે પણ બેન્ક પાસે કેટલીક સ્પષ્ટતાઓ માંગવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ બધી બાબતો ધ્યાનમાં રાખી જામનગર પીપલ્સ કો-ઓપરેટિવ બેન્કને બિનજરૂરી ફાયદાઓ મેળવવા બાબતે રૂ.1 લાખનાં દંડની નોટિસ આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
-જેપી બેન્કના ચેરમેન શું કહે છે ?
જામનગર પીપલ્સ કો-ઓપરેટિવ બેન્કનાં વડા (ચેરમેન) તરીકે લાંબા સમયથી શહેરનાં જાણીતાં બિઝનેસમેન વિનુભાઈ તન્ના ફરજો બજાવી રહ્યા છે. Mysamachar.in દ્વારા રિઝર્વ બેન્ક સંબંધિત આ વિષયમાં તેઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેઓએ એમ જણાવ્યું છે કે, યોગ્ય સમય મર્યાદામાં RBI દ્વારા પૂછવામાં આવેલાં પ્રશ્નોના જવાબો બેન્ક દ્વારા આપવામાં આવશે નહીં તો બેન્ક પાસેથી રિઝર્વ બેન્ક દ્વારા રૂ.1 લાખનો દંડ વસૂલવામાં આવશે. જે અંગે બેન્ક દ્વારા જરૂરી જવાબો રિઝર્વ બેન્કને મોકલી આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં રિઝર્વ બેન્ક તરફથી જે કંઇ સૂચનાઓ આપવામાં આવશે તે મુજબ બેન્ક દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. વિનુભાઇ તન્નાએ એમ પણ જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્ક દ્વારા 20 મી એપ્રિલ સુધીની સમયમર્યાદા આપવામાં આવી હતી, બેન્કે એ પહેલાં રિઝર્વ બેન્કને જવાબો મોકલી આપ્યા છે. ચેરમેન વિનુભાઈ તન્ના હાલ બેન્કમાં રજા પર છે, એમ પણ તેઓએ જણાવ્યું હતું.