Mysamachar.in:જામનગર
સમગ્ર વિશ્વમાં બ્રાસઉદ્યોગ ક્ષેત્રમાં જામનગરનું નામ સૌથી મોખરે છે. અને, આ ઉદ્યોગ જામનગરમાં પ્રદૂષણ છોડવામાં પણ મોખરે છે પરંતુ પ્રદૂષણ નિયંત્રણ મુદ્દે સ્થાનિક સ્તરે ભાગ્યે જ કોઈ કાર્યવાહી થતી જોવા મળે છે ! જામનગરમાં રામેશ્વરનગર વિસ્તારમાં સરદાર પટેલ ભવન ખાતે કાર્યરત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીની ટીમોએ કાલે મંગળવારે દરેડ જીઆઇડીસી વિસ્તારમાં તેજાબી વેસ્ટ વોટર અંગે ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં ચાર કારખાનેદારો હડફેટમાં આવ્યા છે. જો કે સૌ જાણે છે એમ ઉદ્યોગનગરોમાં સંખ્યાબંધ એવા યુનિટસ છે જે હવા, જમીન અને પાણી રાતદિવસ દૂષિત કરી રહ્યા છે અને એ રીતે જામનગરનાં પર્યાવરણને ગંભીર નુક્સાન પહોંચાડી રહ્યા છે ! છતાંય આ યુનિટસ સલામત છે !! તેઓને પ્રદૂષણ મુદ્દે કોઈ કશું કહેતું નથી !!
કાલે મંગળવારે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામેનાં દરેડના રહેણાંક વિસ્તારમાં આવેલા કારખાનાઓમાં પ્રદૂષણ મુદ્દે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. રહેણાંક વિસ્તારોમાં કારખાનાઓ શા માટે ધમધમી રહ્યા છે ?! એ પણ તપાસનો વિષય લેખાવી શકાય. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જામનગર ખાતેની પ્રાદેશિક કચેરીનાં મુખ્ય અધિકારી કલ્પના એન. પરમારે જણાવ્યું છે કે, આ ચેકીંગ દરમ્યાન ધ્યાનમાં આવ્યું છે કે, શ્રી નાથજી અને શ્રી ગણેશ નામનાં બે ઈલેક્ટ્રોપ્લેટર્સ યુનિટનાં સંચાલકોએ ગેરકાયદેસર રીતે પોતાનાં યુનિટથી પાણીનાં એક કુદરતી નાળાં સુધી, અંદાજે 100 મીટર લંબાઈની ભૂગર્ભ પાઈપલાઈન પાથરી છે, જેનાં વાટે આ યુનિટ નું તેજાબી અને ઝેરી વેસ્ટ વોટર નાળાંમાં ઠલવાય છે. આ નાળાંનું પાણી રંગમતી નદીમાં ઠલવાય છે ! આ બંને યુનિટ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વડી કચેરીએ રિપોર્ટ મોકલવામાં આવ્યો છે.
આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતુ કે, દરેડ જીઆઇડીસી વિસ્તારમાં ફેઈઝ-ટુ ખાતે, બે યુનિટ શ્રી વરૂડી અને શ્રી ઉમિયા ઈલેક્ટ્રોપ્લેટર્સ ખાતે પણ તપાસ કરવામાં આવી હતી. આ યુનિટ દ્વારા વેસ્ટ વોટર વરસાદી પાણીના નિકાલ માટેની ગટરમાં છોડવામાં આવે છે એવું ધ્યાન પર આવતાં, આ સ્થળેથી વેસ્ટ વોટરનાં સેમ્પલ લેવામાં આવ્યા છે. જેનું પરીક્ષણ કરવામાં આવશે. પરીક્ષણના રિપોર્ટનાં આધારે વડી કચેરીને આ બંને યુનિટ અંગે રિપોર્ટ કરવામાં આવશે. આ મહિલા અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, વડી કચેરીએથી આ ચાર યુનિટસ અંગે જે કાંઈ સૂચના અથવા આદેશ આવશે તે મુજબ આ યુનિટસ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, જામનગરનાં શંકરટેકરી ઉદ્યોગનગરમાં અને દરેડના બંને ઉદ્યોગનગરમાં હવા પ્રદૂષણ પણ વ્યાપક છે. આ ઉદ્યોગનગરો આસપાસ રહેણાંક વિસ્તારો પણ છે. છતાં, નગરજનોના સ્વાસ્થ્યની ચિંતા કરવામાં આવતી નથી ! ઉદ્યોગકારો પર જાણે કે કોઈનું નિયંત્રણ જ નથી, એ પ્રકારની રામભરોસે સ્થિતિ વર્ષો નહીં, દાયકાઓથી જોવા મળી રહી છે. આ આખો મામલો ગંભીર અને ચિંતાજનક છે. કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારનાં પર્યાવરણ સંબંધી કાયદાઓ, નિયમો અને જોગવાઈઓ કડક છે. પરંતુ સ્થાનિક સ્તરે આ દિશામાં ખાસ કશું થતું ન હોવાની સ્થિતિ જોવા મળે છે !
-ભૂતકાળમાં રેસીડેન્ટ વિસ્તારમાં કારખાના લાયસન્સમાં કેટલાયને છાંટા ઉડ્યા હતા
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેણાક વિસ્તારમાં મંજૂરીનો તોડ શોધી દઈ અને કારખાના લાયસન્સ આપનાર મનપાના એક કર્મચારીને છાંટા ઉડ્યા હતા અને તેના વિરુદ્ધ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં સરકારી રેકોર્ડ સાથે ચેડાનો ગુન્હો પણ દાખલ થયેલ હતો.