Mysamachar.in:જામનગર
થોડાં દિવસો પહેલાં રાજ્યનાં પાટનગરમાં મુખ્યમંત્રીનાં અધ્યક્ષસ્થાને એક પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદને કોન્કલેવ ઓફ સિટી લીડર્સ એવું સરસ મજાનું નામ આપવામાં આવ્યું હતું. જેમાં જામનગર સહિત તમામ મહાનગરપાલિકાઓના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા કમિશનર અને ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ તેમજ રાજયની ‘અ’ વર્ગની 22 પાલિકાઓના પ્રમુખ, કારોબારી ચેરમેન તથા ચીફ ઓફિસરોને બોલાવવામાં આવ્યા હતાં.આ પરિસંવાદમાં જામનગરથી મેયર બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારિયા તથા ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ભાવેશ જાની તેમજ કોર્પોરેશનના ચીફ એકાઉન્ટન્ટ જિગ્નેશ નિર્મળ હાજર રહ્યા હતાં. આ પરિસંવાદના રિપોર્ટિંગમાં થોડાં દિવસો પહેલાં Mysamachar.in દ્વારા લખવામાં આવ્યું હતું કે, આગામી બજેટમાં જામનગરમાં કરદરવધારો થઈ શકે છે ! વેરાવસૂલાતો આકરી બની શકે છે. કોર્પોરેશને આવકો વધારવી પડશે… વગેરે.
Mysamachar.in દ્વારા લખવામાં આવેલાં આ સમાચાર અક્ષરસઃ સાચાં પૂરવાર થયા છે. કારણ કે, આ પરિસંવાદમાં મુખ્યમંત્રીએ તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો, સ્પષ્ટ શબ્દોમાં આપી દીધો હતો. પરંતુ આ વિગતો અત્યાર સુધી જામનગર સહિત રાજ્યભરમાં ક્યાંય પણ જાહેર થવા પામી ન હતી. હવે આ વિગતો જાહેર થઈ ચૂકી છે. અત્યંત આધારભૂત સૂત્રોએ માહિતી આપી છે કે, આ પરિસંવાદમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું હતું કે, મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓને હાલમાં રાજય તથા કેન્દ્ર સરકારમાંથી વિવિધ ગ્રાન્ટસ આપવામાં આવે છે. આ ગ્રાન્ટસનો યોગ્ય ઉપયોગ થતો નથી. અને, સરકાર આ ગ્રાન્ટસ મોડેલ ધીમેધીમે બંધ કરવા ઇચ્છે છે. ભવિષ્યમાં એક સમય એવો આવશે કે, રાજ્ય તથા કેન્દ્ર સરકારમાંથી મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓને એક પણ પૈસો ગ્રાન્ટ તરીકે આપવામાં આવશે નહીં.
પરિસંવાદમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તમામ મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓએ પોતાની આવકો વધારવાની રહેશે. ધીમેધીમે કરદાતાઓ પરનાં કરવેરાઓ આ સંસ્થાઓ વધારી શકશે. વેરાઓની વસૂલાત આકરી અને ઝડપી બનાવવાની રહેશે. જે કરદાતાઓ વેરાઓ ચૂકવવામાં આડોડાઈ કરતાં હોય, તેઓ પાસેથી દંડ પણ વસૂલી શકાશે. આ ઉપરાંત આ સંસ્થાઓએ કરદાતાઓ પાસેથી યૂઝર્સ ફી સહિતનાં ચાર્જ વસૂલી આવક વધારવાની રહેશે. કરદાતાઓ પાસેથી ડેવલપમેન્ટ ફી વસૂલવાની રહેશે. ટૂંકમાં, દરેક મહાનગરપાલિકા અને નગરપાલિકાએ પોતાનાં ખર્ચ માટે તથા વિવિધ વિકાસકામો માટે, ખુદે આર્થિક રીતે સક્ષમ અને સદ્ધર બનવાનું રહેશે. રાજ્ય તથા કેન્દ્ર સરકારમાંથી આવતી ગ્રાન્ટસ ધીમેધીમે ઓછી કરી સંપૂર્ણ બંધ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. પરિસંવાદનો સંદેશો સ્પષ્ટ છે: મહાનગરપાલિકાઓએ હવે વ્યવસ્થિત બનવું પડશે. અને, કરદાતાઓએ સુવિધાઓ અને સેવાઓ મેળવવા હવે વધુ નાણાં ખર્ચ કરવા તૈયારી રાખવાની થશે.






