Mysamachar.in-જામનગર:
તહેવારો સહિતના દિવસોમાં અને ઈમરજન્સી આયોજનોમાં ઘણાં બધાં લોકોને રેલવેની તત્કાળ ટિકિટ બુકિંગ સેવાની જરૂર ઉભી થતી હોય છે. આ માટે હવે તમારે રેલવે સ્ટેશન સુધી લાંબા થવાની જરૂર નથી અને આ બુકિંગ માટે તમારે હવે ટિકિટ બુકિંગ એજન્ટની પણ આવશ્યકતા નહીં રહે. ખુદ IRCTC એ આ માટે ખાસ અને નવું ફીચર વિકસાવ્યું છે.
IRCTCએ માસ્ટર લીસ્ટ નામનું નવું ફીચર વિકસાવ્યું છે. જેની મદદથી આપ ઓછામાં ઓછાં સમયમાં, ઘરે બેઠાં, આંગળીનાં ટેરવે આપની તત્કાળ ટિકિટ બુકિંગ કરાવી શકો છો. આ માટે સૌપ્રથમ તમારે IRCTC ની વેબસાઇટ પર જવાનું રહેશે. જ્યાં તમે એકાઉન્ટ લોગ ઈન કરી, ઓપ્શનમાંથી માસ્ટર લીસ્ટ નામનું ફીચર પસંદ કરી શકો. અહીં તમે પ્રવાસ અને મુસાફરોની વિગતો ભરી, ઈ-પેમેન્ટ દ્વારા ઘરે બેઠાં તત્કાળ ટિકિટ મેળવી શકો. તત્કાળ ટિકિટ બુકિંગ શરૂ થાય એ પહેલાં સમય બચાવવા અહીં તમે અગાઉથી પણ પ્રવાસીઓ અને પ્રવાસની વિગતો ભરી રાખી શકો છો, જેથી બુકિંગ સમયે તમે એ સમય પણ બચાવી શકો અને આસાની તથા ઝડપથી કન્ફર્મેશન સાથેની ટિકિટ મેળવી શકો.
જો કે બિઝી રૂટને કારણે ઘણી વખત કન્ફર્મેશન સાથે આ રીતે ટિકિટ મેળવવામાં સમય લાગી શકે છે પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં આ ફીચર આપને ખૂબ ઉપયોગી પૂરવાર થઈ શકે છે. આ ફીચર અંગે જો કે હજુ સુધી કોઈ સતાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ IRCTC ની વેબસાઇટ ઓપન કરવાથી આ ઓપ્શન ફીચર સુધી પહોંચી શકાય છે, એટલું જાહેર થયું છે.